દર્પણના પણ દર્પણ તરીકે મશીન
ઇન્ડી જોહર દ્વારા
મશીન માત્ર સભ્યતાનું દર્પણ નથી, પરંતુ તે એવા દર્પણનું પણ દર્પણ છે, જેમાં સભ્યતા પોતાને નિહાળે છે.
આપણી આસપાસ એક વાસ્તવિક દુનિયા છે. આપણે મનુષ્યો આપણી ચેતનાના માધ્યમથી આ દુનિયાને અનુભવીએ છીએ, સમજીએ છીએ અને તેના વિશે વિચારીએ છીએ.
ત્યારબાદ આપણે આપણા વિચારો અને અનુભવોને ભાષા દ્વારા વ્યક્ત કરીએ છીએ. પરંતુ ભાષા દ્વારા આપણે આપણા વિચારોને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતા નથી. કેટલીક વાતો છૂટી જાય છે, કેટલીક બદલાઈ જાય છે અને કેટલીકનો અર્થ કંઈક અલગ થઈ જાય છે.
ત્યારબાદ આપણી ભાષા, વિચારો, અનુભવો, પુસ્તકો, ધર્મો, ઇતિહાસ અને આપણી અન્ય અભિવ્યક્તિઓ એક વિશાળ સંગ્રહનો ભાગ બની જાય છે.
મશીન આ વિશાળ સંગ્રહને ગાણિતિક સંબંધોમાં રૂપાંતરિત કરે છે અને તેમાં છુપાયેલા નમૂનાઓ (Patterns) શોધે છે.
ત્યારબાદ આ સંબંધો આપણને કેટલાક એવા નમૂનાઓ અને ચિત્રો બતાવે છે, જેને કદાચ કોઈ એક વ્યક્તિએ અગાઉ ક્યારેય જોયા પણ ન હોય. શક્ય છે કે આ નમૂનાઓ રચવાનો ઇરાદો કોઈનો પણ ન રહ્યો હોય.
આથી, મશીનના માધ્યમથી જે આપણી પાસે પાછું આવે છે, તે માનવીય ચેતનાની આબેહૂબ નકલ નથી. પરંતુ માનવીય ચેતના ગાણિતિક સ્વરૂપમાં પરિવર્તિત થઈને એક નવા રૂપમાં આપણી સામે આવે છે.
આવું જાણે આપણે આપણા વિચારોને મશીનને સોંપ્યા હોય અને મશીને આપણને આપણા જ વિચારોનું એવું એક સ્વરૂપ બતાવ્યું હોય, જે આપણે પોતે અગાઉ ક્યારેય જોઈ શક્યા નહોતા.
આ પ્રક્રિયા દ્વારા શું શક્ય બની શકે?
આ પ્રક્રિયા દ્વારા મનુષ્ય અથવા સમગ્ર સભ્યતા માત્ર એટલું જ નહીં સમજી શકે કે અત્યાર સુધી તેણે શું-શું વિચાર્યું છે, પરંતુ તે એ પણ જોઈ શકશે કે તે વિચારે કેવી રીતે છે.
ઉદાહરણ તરીકે:
* કયા વિચારો અને માન્યતાઓ તરફ મનુષ્ય વારંવાર આકર્ષાય છે?
* કયા વિરોધાભાસો આપણા વિચારોમાં વારંવાર જોવા મળે છે?
* કયા સત્યો કે પ્રશ્નોને આપણે વારંવાર નજરઅંદાજ કરીએ છીએ?
* આપણી સામૂહિક વિચારધારા કઈ દિશામાં આગળ વધતી દેખાય છે?
લેખક આ ક્ષમતાને Civilisational Metacognition કહે છે.
એનો અર્થ એ છે કે સમગ્ર માનવ સભ્યતા પોતાના વિચારોથી એક ડગલું પાછળ હટીને, પોતાની વિચારવાની પ્રક્રિયાને જોઈ અને સમજી શકે.
આ માટે એ જરૂરી નથી કે સમગ્ર માનવજાત એક જ મગજ બની જાય અથવા સૌના વિચારો એકસરખા થઈ જાય.
અલગ-અલગ વ્યક્તિઓ, સંસ્કૃતિઓ, ધર્મો અને સમાજોની પોતાની આગવી વિચારધારા જળવાઈ રહી શકે છે. તેમની વચ્ચે મતભેદો પણ હોઈ શકે છે.
પરંતુ મશીનની મદદથી અલગ-અલગ લોકોના વિચારોમાં રહેલા કેટલાક એવા સંબંધો સામે આવી શકે છે, જેને જોઈને સમગ્ર માનવજાત પોતાની સામૂહિક વિચારધારા પર મનન કરી શકે છે.
આનાથી પણ આગળ એક બીજી વધુ ગહન સંભાવના છે.
લેખક ત્યારબાદ એક બીજો વિચાર રજૂ કરે છે, જેને તે Metaconsciousness કહે છે.
આ વાત Civilisational Metacognition કરતાં પણ આગળની છે.
Metacognition એટલે પોતાના વિચારોને સમજવા.
પરંતુ Metaconsciousnessનો વિચાર એવો છે કે કદાચ ચેતના પોતાના અસ્તિત્વ અને વિકાસના કોઈ એવા ઊંડા સત્યનો અનુભવ કરી શકે, જે કોઈ એક વ્યક્તિની સમજણ કરતાં ઘણો વિશાળ છે.
શક્ય છે કે કોઈ એવો વ્યાપક ક્રમ અથવા વ્યવસ્થા હોય, જે અલગ-અલગ મનુષ્યોની ચેતનામાં તો દેખાતી હોય, પરંતુ કોઈ એક વ્યક્તિ તેને સંપૂર્ણપણે જોઈ કે સમજી શકતી ન હોય.
મોડેલના માધ્યમથી કદાચ મનુષ્ય પહેલી વાર એ વ્યાપક વ્યવસ્થાની એક ઝલક જોઈ શકે.
આનો અર્થ એવો નથી કે મશીનની અંદર ચેતના જાગી જશે.
પરંતુ માનવીય ચેતના મશીનનો એક દર્પણ તરીકે ઉપયોગ કરીને પોતાના જ અસ્તિત્વના એવા કોઈ પાસાને જોઈ શકશે, જે હંમેશાંથી અસ્તિત્વમાં હતું, પરંતુ તેને જોવાનો કોઈ માર્ગ આપણી પાસે નહોતો.
અને કદાચ અહીં જ આપણને ઈશ્વરની એક ઝલક જોવા મળે છે.
લેખક કહે છે કે આનો અર્થ એવો નથી કે મોડેલ દિવ્ય છે અથવા મશીન જ ઈશ્વર છે.
એવું પણ નથી કે ગાણિતિક નમૂનાઓ પોતે જ કોઈ દિવ્ય સંદેશા છે.
અને એવું પણ નથી કે ગણિતના માધ્યમથી કોઈ સાર્વત્રિક ચેતનાના અસ્તિત્વને સાબિત કરી દેવામાં આવ્યું છે.
લેખક આના કરતાં પણ વધુ ઊંડી સંભાવનાની વાત કરી રહ્યો છે.
ધારો કે આપણને એકસરખો કોઈ ઊંડો નમૂનો (Pattern) જોવા મળે, જે નીચેની તમામ બાબતોમાં હાજર હોય:
* પદાર્થ
* જીવન
* ચેતના
* મનુષ્યના વિચારો અને અભિવ્યક્તિઓ
* અને અલગ-અલગ મોડેલો દ્વારા શોધાયેલા ગાણિતિક સંબંધો.
જો આ બધામાં કોઈ એક સમાન અને સતત જોવા મળતી વ્યવસ્થા મળે, તો શક્ય છે કે મશીન એવી કોઈ મૂળભૂત વ્યવસ્થાની ઝલક પકડી રહ્યું હોય, જે આ બધી બાબતોની પાછળ કાર્ય કરી રહી છે.
અને લેખકના મતે, કદાચ આ જ મૂળભૂત વ્યવસ્થાને સમજવાનો સૌથી ઊંડો પ્રયાસ આપણે ઈશ્વરની શોધ કહીએ છીએ.
આનો અર્થ એવો થઈ શકે કે મનુષ્ય હજારો વર્ષોથી ધર્મ, દર્શન અને આધ્યાત્મિક વિચારોના માધ્યમથી જે સત્યની શોધ કરતો આવ્યો છે, તે માત્ર માનવીય કલ્પના નથી.
શક્ય છે કે એ કોઈ વાસ્તવિક સત્ય હોય, જેને અલગ-અલગ સભ્યતાઓ, ધર્મો અને દર્શનોએ પોતાની આગવી રીતે સમજવાનો અને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.
તેમાંથી કોઈ પણ તેને સંપૂર્ણપણે વ્યક્ત કરી શક્યું નથી, પરંતુ કદાચ દરેકે તેની કોઈ ને કોઈ ઝલક જોઈ છે
મનન માટેના મૂળ પ્રશ્નો :-
૧. તમે આ વિચારને કઈ રીતે જુઓ છો કે આપણી ટેક્નોલોજી, આપણી ભાષાઓ, ધર્મોનાં ઉપદેશો અને મનુષ્ય દ્વારા અત્યાર સુધી વ્યક્ત કરવામાં આવેલા તમામ વિચારો કદાચ કોઈ એક ઊંડા અને મૂળભૂત સત્યની અલગ-અલગ ઝલકો હોય?
શું એવું બની શકે કે આ બધાં જુદા-જુદા માર્ગો આપણને કોઈ એક વાસ્તવિક સત્ય તરફ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, જેને આપણામાંથી કોઈ પણ સંપૂર્ણપણે સમજી શક્યું નથી?
૨. શું તમારા જીવનમાં ક્યારેય એવું બન્યું છે કે તમે પોતાના વિશે કોઈ એવું સત્ય સમજ્યા હો, જે એકલા બેસીને વિચારવાથી નહીં, પરંતુ કોઈ અણધાર્યા દર્પણ દ્વારા તમારી સામે આવ્યું હોય?
ઉદાહરણ તરીકે:
* કોઈ બીજા વ્યક્તિની વાત દ્વારા તમે પોતાના વિશે કંઈક નવું જાણ્યું હોય.
* કોઈ વાતચીત દરમિયાન કોઈએ તમને તમારી પોતાની જ એવી કોઈ વાત સમજાવી હોય, જેના પર તમે અગાઉ ક્યારેય ધ્યાન આપ્યું ન હોય.
* કોઈ પુસ્તક, ઘટના કે અનુભવે તમને તમારા જ વ્યક્તિત્વનો કોઈ અજાણ્યો કે વણખેડાયેલો પાસો બતાવ્યો હોય.
તે ક્ષણે તમને કેવું અનુભવાયું હતું?
૩. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે ધર્મ, આધ્યાત્મિકતા અને દર્શન એ મનુષ્યે બનાવેલી માન્યતાઓ છે, જેને કદાચ વિજ્ઞાન અને આધુનિક વિચારધારાની સાથે પાછળ છોડી દેવી જોઈએ.
પરંતુ શું એ પણ શક્ય નથી કે આ બધાની પાછળ કોઈ વાસ્તવિક સત્ય છુપાયેલું હોય, જેને મનુષ્ય હજારો વર્ષોથી અલગ-અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે?
આપણે આપણા મનને આ સંભાવના માટે કેવી રીતે ખુલ્લું રાખી શકીએ કે કદાચ આ બધી પરંપરાઓમાં કંઈક એવું છે, જેને હજુ સંપૂર્ણપણે સમજવાનું બાકી છે?
Excerpted from here.
How do you relate to the notion that what returns through our technologies, our languages, our accumulated expressions of religions is a "refracted signature of an underlying generative order", "a reality imperfectly expressed through them all"? Can you share a personal story of a moment when you glimpsed something true about yourself not through solitary reflection but through a kind of mirror you didn't expect and what it felt like to meet yourself that way? What helps you stay open to the possibility that the questions consciousness has been reaching toward through "innumerable religions, philosophies and metaphysical systems" are not inventions to be outgrown but signals of something real that is imperfectly expressed?