મૌન કેમ અશાંતિજનક લાગે છે?
કોર્ટલેન્ડ ડાહલ દ્વારા
2010ની મધ્યમાં, વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્રખ્યાત પ્રયોગ કર્યો. તેઓએ કોલેજના વિદ્યાર્થીઓને માત્ર 6 થી 15 મિનિટ સુધી શાંતિથી, પોતાના વિચારો સાથે એકલા બેસવા કહ્યું — કોઈ ફોન નહીં, કોઈ પુસ્તક નહીં, કંઈ જ નહીં. ઘણા વિદ્યાર્થીઓને આ એટલું બધું અસુવિધાજનક લાગ્યું કે તેઓએ શાંતિથી બેસવાને બદલે પોતાને હળવા ઇલેક્ટ્રિક આંચકા આપવાનું પસંદ કર્યું.
અહીં શું થઈ રહ્યું છે?
જ્યારે મન વ્યસ્ત નથી હોતું, ત્યારે મગજનું “ડિફોલ્ટ મોડ નેટવર્ક” (DMN) ઘણીવાર સક્રિય થઈ જાય છે. આ નેટવર્ક — જે મગજના “મીડિયલ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ” અને “પોસ્ટિરિયર સિન્ગ્યુલેટ કોર્ટેક્સ” જેવા વિસ્તારોને જોડે છે — તે સ્વ-સંદર્ભિત વિચારસરણીમાં ખૂબ રોકાયેલું હોય છે: ભૂતકાળના પસ્તાવાઓ પર મંથન કરવું, ભવિષ્યની ચિંતા કરવી, અને 'હું' ની માનસિક વાર્તાને મજબૂત કરવી.
એટલા માટે કંઈ ન કરવું અશાંતિજનક લાગી શકે છે — તે અંદર સતત ચાલતા બકવાસને સપાટી પર લાવે છે જેને આપણે સામાન્ય રીતે સતત પ્રવૃત્તિઓ અને વિક્ષેપોથી દૂર રાખીએ છીએ.
પણ અહીં વાત રસપ્રદ બને છે.
ટોરોન્ટો યુનિવર્સિટીના નોર્મ ફાર્બ ના સંશોધન અને અન્ય ધ્યાનના ન્યુરોસાયન્સના સંશોધનોએ દર્શાવ્યું છે કે જ્યારે લોકો વર્તમાનમાં રહેવાનો અભ્યાસ કરે છે, ત્યારે તેમની મગજની પ્રવૃત્તિમાં નાટકીય ફેરફાર થાય છે.
DMN શાંત થઈ જાય છે જેથી મન નું સતત ભટકવાનું અને કથાત્મક આંતરિક સંવાદ ઓછો થઈ જાય છે.
સંવેદનાત્મક અને આંતરિક નેટવર્ક્સમાં પ્રવૃત્તિ વધે છે — જેમાં “ઇન્સ્યુલા” પણ શામેલ છે, જે શ્વાસ, હૃદયના ધબકારા અને ભાવનાઓ જેવા આંતરિક શારીરિક કાર્યોનું સંચાલન કરે છે.
આ ફેરફારને ક્યારેક કથનાત્મક સ્વ થી અનુભવાત્મક સ્વ તરફ આગળ વધવા તરીકે વર્ણવવામાં આવે છે — એટલે કે જીવન વિશે વિચારવા તરફ થી સીધા તેનો અનુભવ કરવા તરફ જવું.
એ થી પણ વધુ મહત્વની વાત એ છે કે આ ફેરફારો માત્ર ક્ષણિક નથી, આ શીખી શકાય તેવા કૌશલ્યો છે. અને જેમ રિચાર્ડ ડેવિડસન વારંવાર કહે છે તેમ, સતત અભ્યાસથી, તે ક્ષણિક સ્થિતિઓને બદલે સહજ બની શકે છે — જેનો અર્થ એ છે કે તમારું મગજ, જ્યારે તમે ધ્યાન ન કરી રહ્યા હોવ ત્યારે પણ, વધુ કુદરતી રીતે જાગૃતિમાં રહેતા શીખી જાય છે.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
- આ વિચાર વિશે તમે શું માનો છો કે, આપણા મગજની ડિફોલ્ટ સેટિંગ સ્વ-સંદર્ભિત વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને જ્યારે તમારી પાસે કોઈ વિક્ષેપો ન હોય ત્યારે આ માનસિક બકવાસનો અનુભવ તમે કેવી રીતે કરો છો?
- તમે કોઈ એવો પોતાનો અનુભવ વર્ણવી શકો છો જે એવા સમયને દર્શાવે છે જ્યારે તમે કથનાત્મક સ્વમાં ફસાયેલા હતા, અને પછી વર્તમાન ક્ષણમાં જીવનનો વધુ સંપૂર્ણ અનુભવ કરવા લાગ્યા?
- વર્તમાન ક્ષણની જાગૃતિની આદત કેળવવામાં તમને શું મદદ કરે છે જેથી તમારું મગજ ધીમે ધીમે ચિંતન ને બદલે જાગૃતિની સ્થિતિમાં કુદરતી રીતે રહેવા તરફ વળી શકે?
Seed Questions for Reflection
What do you make of the notion that our brain's default setting tends to focus on self-referential thinking, and how do you relate to the experience of this mental chatter when you find yourself without distractions? Can you share a personal story that illustrates a time when you transitioned from being caught up in the narrative self to experiencing life more fully in the present moment? What helps you cultivate the habit of present-moment awareness so that your brain can gradually shift from rumination to resting naturally in a state of open awareness?