"અનપેક્ષિત શક્તિ"
લેખક અજ્ઞાત
એક 10 વર્ષના છોકરાએ એક ભયંકર કાર અકસ્માતમાં પોતાનો ડાબો હાથ ગુમાવ્યો હોવા છતાં, તેણે જુડો શીખવાનું નક્કી કર્યું.
છોકરાએ એક વૃદ્ધ જુડો માસ્ટર પાસે તાલીમ લેવાનું શરૂ કર્યું. તે સારું કરી રહ્યો હતો, પણ તે સમજી શકતો ન હતો કે ત્રણ મહિનાની મહેનત પછી પણ માસ્ટર તેને ફક્ત એક જ દાવ કેમ શીખવી રહ્યા હતા.
છેવટે છોકરાએ પૂછ્યું, "ગુરુજી, શું મારે વધુ દાવ ન શીખવા જોઈએ?"
ગુરુએ જવાબ આપ્યો, "આ એકમાત્ર દાવ છે જે તું જાણે છે, પણ આ એકમાત્ર દાવ છે જેની તને ક્યારેય જરૂર પડશે."
છોકરાને પૂરું સમજાયું નહી, પણ તેણે પોતાના ગુરુ પર વિશ્વાસ રાખ્યો અને તાલીમ ચાલુ રાખી. થોડા મહિનાઓ પછી, ગુરુજી તેને તેની પ્રથમ ટૂર્નામેન્ટમાં લઈ ગયા. આશ્ચર્યજનક રીતે, છોકરાએ તેની પ્રથમ બે મેચો સરળતાથી જીતી લીધી. ત્રીજી મેચ થોડી મુશ્કેલ હતી, પણ થોડા સમય પછી તેનો પ્રતિસ્પર્ધી ઉશ્કેરાઈ ગયો અને હુમલો કર્યો; છોકરાએ ઝડપથી પોતાનો એકમાત્ર દાવ અજમાવ્યો અને જીત મેળવી. પોતાની સફળતાથી આશ્ચર્યચકિત છોકરો હવે ફાઈનલમાં પહોંચી ગયો હતો.
આ વખતનો તેની સામેનો ખેલાડી શક્તિશાળી અને વધુ અનુભવ ધરાવતો હતો. થોડી વાર સુધી છોકરો હારી જાય તેવી સ્થિતિ લાગી રહી હતી. રેફરીને ચિંતા થઈ કે છોકરાને ઈજા થઈ શકે છે, તેથી તેણે ટાઈમઆઉટ લીધું અને મેચ રોકવાનો હતો, ત્યારે ગુરુજીએ વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું, "નહીં, મેચ ચાલુ રહેવા દો." મેચ ફરી શરૂ થઈ. તેના પ્રતિસ્પર્ધીએ એક મોટી ભૂલ કરી – તેણે પોતાનું સંરક્ષણ છોડી દીધું. તાત્કાલિક છોકરાએ તેનો દાવ અજમાવ્યો અને તેને જમીન પર પછાડી દીધો. છોકરાએ માત્ર મેચ નહીં પણ આખી ટૂર્નામેન્ટ જીતી લીધી. હવે તે ચેમ્પિયન હતો.
ઘરે જતા રસ્તે, છોકરો અને ગુરુજી મેચના દરેક દાવની સમીક્ષા કરતા હતા. અંતે છોકરાએ હિંમત કરીને તે પ્રશ્ન પૂછ્યો જે તેના મનમાં હતો, "ગુરુજી, હું માત્ર એક જ દાવથી ટૂર્નામેન્ટ કેવી રીતે જીતી શક્યો?"
ગુરુજીએ ઉત્તર આપ્યો, "તમે બે કારણોસર જીત્યા. પ્રથમ, તમે જુડોનો સૌથી મુશ્કેલ દાવ લગભગ પરિપૂર્ણ રીતે શીખી લીધો છે. અને બીજું, આ દાવ સામેનો એકમાત્ર બચાવ એ છે કે તમારો પ્રતિસ્પર્ધી તમારો ડાબો હાથ પકડી શકે."
છોકરાની સૌથી મોટી કમજોરી એની સૌથી મોટી તાકાત બની ગઈ હતી.
મનન માટે બીજ પ્રશ્નો:
- શું તમને તમારા જીવનમાં એવો કોઈ સમય યાદ છે જ્યારે તમે જેને નબળાઈ માનતા હતા તે શક્તિ બની ગઈ?
- જો તમે આ વાર્તામાંથી મળેલા પાઠને તમારા જીવનમાં લાગુ કરી શકો, તો તમે અલગ રીતે શું કરશો?
- તમારા જીવનમાં અન્ય શિક્ષકોએ તમારા દૃષ્ટિકોણને કેવી રીતે બદલ્યો છે?
Seed Questions for Reflection
Can you think of a time when something you saw as a weakness turned out to be a strength? If you could apply the lesson from this story to your life, what would you do differently? How have other teachers in your life influenced what you see as possible?