નાયક (હીરો) ને મરવા દેવુ.,
પોલ વેઇનફિલ્ડ દ્વારા,
લિયોનાર્ડ કોહેને કહ્યું કે તેમના શિક્ષકે તેમને એકવાર જણાવ્યું હતું કે, જેમ જેમ તમે વૃદ્ધ થાવ છો, તેમ તેમ તમે વધુ એકલા થતા જાઓ છો. અને તમને વધુ ઊંડા પ્રેમની જરૂર પડે છે. આ એટલા માટે છે કારણ કે, આપણે જીવનમાં આગળ વધીએ છીએ, ત્યારે આપણે આપણી વાર્તાઓના હીરો તરીકે પોતાને વધુ પડતા ઓળખવા લાગીએ છીએ.
આ હીરો ખરેખર મજા નથી કરી રહ્યો: તેને ઠોકર વાગે છે, તેનું અપમાન થાય છે, અને તે બદનામ થાય છે. પરંતુ જો આપણે હીરો તરીકેની પોતાની ઓળખ છોડી દઈએ, તો આપણે બ્રહ્માંડમાં પોતાનું સાચું સ્થાન શોધી શકીએ છીએ અને આપણે ક્યારેય અનુભવ્યો ન હોય એવો પ્રેમ મેળવી શકીએ છીએ, જે ખૂબ જ સંતોષકારક હોય.
લોકો સતત "હીરોની યાત્રા" શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ તેનો સાચો અર્થ શું છે તેનો તેમને કોઈ ખ્યાલ નથી હોતો. સી.ઈ.ઓ. થી લઈને વેલનેસ-ઈન્ફ્લુએન્સર્સ સુધી દરેક વ્યક્તિ એવું માને છે કે હીરોની યાત્રાનો અર્થ તમારા ડરનો સામનો કરવો, રાક્ષસને મારવો અને ઈન્સ્ટાગ્રામ પર 25000 ફોલોઅર્સ મેળવવો છે. પરંતુ તે હીરોની વાસ્તવિક યાત્રા નથી.
હીરોની વાસ્તવિક યાત્રામાં, રાક્ષસ તમને મારી નાખે છે. તમને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમે લગ્નને સફળ બનાવી શક્યા નહીં. તમને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમે ચાલીસ વર્ષના થયા, પણ તમારી પાસે બાળકો નથી, ઘર નથી, અને સારું ભવિષ્ય દેખાતું નથી. તમને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તમે વિશ્વને ગૌરવપૂર્વક જે ભેટો આપી હતી, તે વિશ્વને જોઈતી ન હતી.
જો તમે મૂર્ખ છો, તો અહીં તમે તમારી યાત્રા છોડી દેશો અને બીજી શરૂ કરશો, અને ફરીવાર બીજી. જીતવાના ક્ષણિક ભ્રમ માટે તમારા હૃદયને વારંવાર દુઃખી કરશો. પરંતુ જો તમે સમજદાર છો, તો તમે પોતાને તૂટવા દેશો અને નમ્ર બનીને ગામમાં પાછા ફરશો, પણ એક નવી સમજ સાથે કે જ્યાં પોતાને હીરો તરીકે ઓળખવાનું છોડી દેશો, કે જેને જીતવાની, ઓળખાવાની અને જાણવાની જરૂર છે. અહીંથી જ તમારા ઉત્કૃષ્ટ જીવનની શરૂઆત થાય છે.
તો દરેક બાબતમાં નમ્રતા અપનાવો. જીવન તમને દુઃખ આપવા માટે નથી, તમારા સંઘર્ષો તમારી ભૂલો નથી. તમારી દરેક હાર એક દેવદૂત જેવી છે, જે તમારો હાથ પકડીને તમને કહે છે કે તમારે દિવાલ પર માથું પછાડતા રહેવાની જરૂર નથી. આ સખત પ્રયત્ન કરનાર વ્યક્તિને (હીરોને) તેની એકલવાયી મહત્વાકાંક્ષાઓમાં ફસાયેલો રહેવા દો. બસ તેને છોડીને આગળ વધો અને જીવન તેની વિશાળતામાં તમને અપનાવી લેશે.
મનન માટેના બીજ પ્રશ્નો :
તમે આ વિચાર સાથે કેટલા સમંત છો કે, હીરો તરીકે પોતાને ઓળખવાનું છોડી દેવાથી, તમે એવો પ્રેમ શોધી શકો છો જે તમે ક્યારેય જાણ્યો ન હોય તેના કરતાં વધુ સંતોષકારક હોય?
શું તમે કોઈ એવો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો, જ્યાં કોઈ અણધારી જીવન ઘટનાએ તમને તૂટી ગયા હોવાનો અહેસાસ કરાવ્યો હોય અને તે કેવી રીતે નમ્રતા અને સમજણની ઊંડી ભાવના તરફ દોરી ગઈ હોય?
જીવન તેની વિશાળતામાં તમને અપનાવી શકે તે માટે, તમને નમ્ર થવામાં અને તમારા એ ભાગને, કે જેને જીતવાની જરૂર છે, તેને છોડી દેવામાં શું મદદ કરે છે?
Seed Questions for Reflection
What do you make of the notion that by letting go of identifying as the hero, you can find a love more satisfying than any you've ever known? Can you share a personal story where an unexpected life event left you feeling shattered, and how it led to a deep sense of humility and understanding? What helps you embrace humility and let go of the part of you that needs to win, allowing life in its vastness to embrace you?