રોબર્ટ થર્મન દ્વારા
એક મૈત્રીપૂર્ણ વ્યક્તિ એ છે જે તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખી શકે. તેઓ પોતાની જાતને તમારી પરિસ્થિતિમાં મૂકીને તમારા દ્રષ્ટિકોણથી વસ્તુઓને જોઈ શકે છે. બુદ્ધનો "નોબલ" (આર્ય/શ્રેષ્ઠ) કહેવાનો અર્થ આજ હતો. તેથી હું 'ચાર આર્ય સત્ય' (Four Noble Truths) ને 'ચાર મૈત્રીપૂર્ણ તથ્યો’ કહેવાનું પસંદ કરું છું.
અને હું તેને "સત્ય" કહેવાને બદલે "તથ્ય" કહું છું, કારણ કે સત્ય એક એવો સિદ્ધાંત બની શકે છે જેને તમારે સ્વીકારવો જ પડે, પછી ભલે તે તમને ગળે ઉતરે કે ન ઉતરે. પરંતુ બુદ્ધ આપણને કોઈ અંધવિશ્વાસ કે કટ્ટર માન્યતા નહોતા આપી રહ્યા. તેઓ તો એક પ્રકારનું તબીબી નિદાન (મેડિકલ ડાયગ્નોસિસ) કરી રહ્યા હતા. તેમણે મનુષ્યોને જોયા અને સમજ્યા કે આપણે બધા અંદર એક પ્રકારની બેચેની લઈને જીવી રહ્યા છીએ. આપણી માનસિકતા જ એવી ઘડાયેલી છે કે આપણને લાગે છે કે આપણું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ જ સર્વોપરી છે. આપણે આપણી જાતને દરેક વસ્તુના કેન્દ્રમાં હોવાની કલ્પના કરીએ છીએ, અને જ્યારે દુનિયા આપણી આ વાતનો સ્વીકાર નથી કરતી ત્યારે આપણે દુઃખી થઈએ છીએ.
પહેલું મૈત્રીપૂર્ણ તથ્ય માત્ર લક્ષણને પારખવાનું છે: આપણે દુઃખી છીએ. અને, આશ્ચર્યજનક રીતે, આ એક સારા સમાચાર હોઈ શકે છે. લોકોને આ માર્ગ તરફ આકર્ષિત કરનારી બાબતોમાંની એક એ શોધ છે કે, "અહીં માત્ર હું જ એકલો દુઃખી નથી." આ સામાન્ય છે. આ માનવ જીવનની સહજ સ્થિતિનો એક ભાગ છે. અને કારણ કે તેને સમજી શકાય છે, તેથી તેના પર કામ પણ કરી શકાય છે.
પરંતુ એક આત્મ-કેન્દ્રિત (સ્વાર્થી) વ્યક્તિ માટે, આ કોઈ મૈત્રીપૂર્ણ તથ્ય જેવું લાગતું નથી. આવી વ્યક્તિ સતત વિચારતી રહે છે કે, "મેં આનો પૂરતો આનંદ ન માણ્યો, કારણ કે તેનો અંત આવી ગયો. અને જ્યારે તે મારી પાસે હતું, ત્યારે પણ તે એટલું સારું નહોતું જેટલું મેં અલગ પરિસ્થિતિઓમાં હોવાની કલ્પના કરી હતી." કાશ હું પ્રખ્યાત હોત. કાશ હું અમીર હોત. કાશ મારી પાસે એક અલગ જીવનસાથી, એક અલગ શરીર, એક અલગ જીવન હોત. "હું" અને "મારું" ના ભાવમાં ચુસ્તપણે વીંટળાયેલી વ્યક્તિ ક્યારેય કોઈ પણ વસ્તુનો સાચો આનંદ માણી શકતી નથી, કારણ કે જે કંઈ પણ તેની પાસે આવે છે, તેની તુલના તરત જ 'બીજું શું હોઈ શકતું હતું' તેની સાથે થવા લાગે છે.
બીજું મૈત્રીપૂર્ણ તથ્ય તેનું નિદાન છે: આપણે એટલા માટે દુઃખી થઈએ છીએ કારણ કે આપણે ખોટું જાણીએ છીએ (અજ્ઞાનતા અથવા ભ્રમમાં છીએ). એવું નથી કે આપણે જાણતા નથી; પણ એવું છે કે આપણે ખોટું જાણીએ છીએ. આપણે વિચારીએ છીએ કે, "હું જ સર્વોપરી છું. હું જ અંતિમ સત્ય છું." અને પછી કોઈ આ વાત સાથે સંમત થતું નથી — આપણું પોતાનું શરીર પણ નહીં.
ત્રીજું તથ્ય એ પૂર્વાનુમાન (prognosis) છે: જો આપણે આ ખોટા જ્ઞાનના સ્થાને સાચું ડહાપણ (વિવેકબુદ્ધિ) લાવીએ, તો દુઃખનો અંત આવી શકે છે. અને સૌથી મોટી ગેરસમજ એ છે કે આવું થવા માટે આપણે જીવનનો ત્યાગ કરવો પડશે (સંન્યાસ લેવો પડશે). પરંતુ ઊંડી સંભાવના એ છે કે આપણે આ જીવનની વચ્ચે રહીને પણ મુક્ત થઈ શકીએ છીએ, અને અન્યો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા રહી શકીએ છીએ.
ચોથું મૈત્રીપૂર્ણ તથ્ય એ તેનો ઉપચાર (થેરાપી) છે: શિક્ષણનો એક માર્ગ — સદાચાર (નૈતિકતા), ધ્યાન અને ડહાપણ. આપણી સમસ્યાનું કારણ શું છે તે જાણવામાં આનંદ છે. એ જાણીને આનંદ થાય છે કે આ સમસ્યા સામાન્ય છે. એ સમજવામાં આનંદ થાય છે કે સમજણ આપણને મુક્ત કરી શકે છે. અને એ શોધવામાં સૌથી વધુ પરમાનંદ મળે છે કે આપણી સ્વતંત્રતા અન્યો પ્રત્યેના આપણા પ્રેમને વધુ ઊંડો બનાવી શકે છે.
મનન માટેના બીજ પ્રશ્નો :
આ વિચાર સાથે તમે કેવી રીતે સહમત છો કે - દુઃખ એ એક "મૈત્રીપૂર્ણ તથ્ય" છે, તે કોઈ સજા કે તમારામાં રહેલી કોઈ ખામી નથી, પરંતુ એક તબીબી નિદાન જેવું છે, જેને એકવાર સમજી લીધા પછી ખરેખર તેના પર "કામ કરી શકાય છે" (તેનો ઉકેલ લાવી શકાય છે) ?
શું તમે તમારા જીવનનો એવો કોઈ અંગત કિસ્સો વર્ણવી શકો છો, જ્યારે તમને અહેસાસ થયો હોય કે આ દુનિયામાં માત્ર તમે જ એકલા દુઃખી નથી? અને આ સ્વીકારે કેવી રીતે તમારી અંદર કંઈક બદલી નાખ્યું, ભલે આ બદલાવ ગમે તેટલો નાનો હોય ?
તમને "કાશ, આવું હોત..." વાળા વિચારોની પકડમાંથી મુક્ત થવામાં શું મદદ કરે છે? — એ આદત જે વર્તમાન હકીકતની તુલના 'શું હોઈ શકતું હતું' તેની સાથે કર્યા કરે છે — અને જે ખરેખર અત્યારે આપણી સમક્ષ હાજર છે, તેમાં પાછા ફરવામાં તમને કઈ બાબત મદદરૂપ બને છે?
Robert Thurman was a renowned Buddhist scholar, author, and Professor Emeritus of Religion at Columbia University, widely recognized as one of the foremost Western interpreters of Tibetan Buddhism. A longtime friend of the Dalai Lama and co-founder of Tibet House US, he spent decades translating ancient scriptures for contemporary life, with a particular emphasis on compassion, ethics, and the liberating power of wisdom. He recently passed away. Excerpt above from this transcript.
How do you relate to the notion that suffering is a "friendly fact" - not a punishment or a flaw in you, but something more like a medical diagnosis that, once understood, can actually be "worked with"? Can you share a personal story of a time when you realized you were not the only one suffering, and how that recognition - however small or quiet - shifted something in you? What helps you loosen the grip of "if only" thinking, that habit of measuring what is against what could have been, and return to what is actually here?