કદાચ આપણે તેને યાદ કરવાની જરૂર છે.
ડેવિડ ઓલ્ટ દ્વારા,
સાચું કહું તો, મારે તમને કંઈક એવું આપવું હતું કે જેથી તમારી બધી ચિંતાઓ એક ક્ષણમાં દૂર થઈ જાય. કોઈ એવું જાદુઈ વાક્ય કે રીત, જેનાથી તમે તરત શાંત થઈ જાવ. કંઈક એવું જે દુનિયાના દરેક માણસને કામ લાગે.
પણ હકીકત એ છે કે, માણસનું જીવન આટલું સરળ નથી હોતું.
દરેક માટે શાંતિનો રસ્તો એક સરખો નથી હોતો. દરેક વ્યક્તિનો સ્વભાવ અને તેની પરિસ્થિતિ અલગ હોય છે. એટલે મારે તમને સલાહો આપીને વધુ મૂંઝવવા નથી.
કારણ કે આજે દરેક જગ્યાએ કોઈ ને કોઈ આપણને એવું કહેતું હોય છે કે આપણે શું કરવું જોઈએ. આપણે કેવું અનુભવવું જોઈએ કે કેવી રીતે વર્તવું જોઈએ.
આ "આમ કરવું જોઈએ" અને "તેમ કરવું જોઈએ" ની વાતોનો કોઈ અંત જ નથી.
તમે સમાચાર જુઓ કે સોશિયલ મીડિયા, દરેક જણ તમને શીખવવા બેઠું છે કે સાચો રસ્તો કયો છે. તમને સાચી આધ્યાત્મિક સ્થિતિ, યોગ્ય ભાવનાત્મક પ્રતિભાવ, અથવા જાગૃત કે વિકસિત થવાની સાચી રીત સૂચવતો હશે.
આ બધું સાંભળીને માણસ થાકી જાય છે.
એટલે, કોઈ નવી કે ચતુરાઈભરી વાત કરવાને બદલે, હું એવા જૂના અને શાંત વિચારો તરફ પાછો વળું છું જે મને વર્ષોથી મદદ કરી રહ્યા છે.
તેમાંનો એક વિચાર આ છે:
ભલે ઉપરછલ્લી રીતે દેખાતું ન હોય, પણ…
જ્યાં શાંતિ નથી લાગતી, ત્યાં પણ ઊંડાણમાં શાંતિ છે.
જ્યાં બધું વિખરાયેલું લાગે છે, ત્યાં પણ એક વ્યવસ્થા છે.
જ્યાં ભગવાન નથી દેખાતા, ત્યાં પણ ભગવાન છે.
જો આ વાત સાચી હોય કે શાંતિ કે પરમાત્મા ક્યાંય ગયા જ નથી, તો પછી પ્રશ્ન આપણને પોતાને થાય છે: "બીજાએ શું કરવું જોઈએ એ નહીં, પણ તેને ફરીથી અનુભવવા માટે મારે શું કરવું જોઈએ?"
હું મારી જાતને એટલો સહજ કેવી રીતે કરું કે જે ક્યાંય ગયું જ નથી તેને જોઈ શકું? હું બહારના શોરબકોરથી દૂર થઈને ફરીથી મારી જાત સાથે કેવી રીતે જોડાઈ શકું?
બીજી એક વાત જે મને હિંમત આપે છે તે તો વધારે સરળ છે, એ આ છે: હું જે શોધું છું, તે જ મને દેખાય છે.
જો હું દુનિયામાં એ જ જોયા કરીશ કે બધું ખરાબ થઈ રહ્યું છે, તો મને તે જ દેખાશે. જો હું આક્રોશ શોધી રહ્યો હોઉં, તો તે જ દેખાશે. જો હું ડર શોધી રહ્યો હોઉં, તો તે બધે જ દેખાશે.
પણ જો હું પ્રેમ, શાંતિ અને ભલાઈ શોધવાનું નક્કી કરીશ, તો બધે તે જ દેખાવાનું શરૂ થશે.
એટલે મારી પાસે જે સાચો વિકલ્પ છે તે આ છે: મારે શું જોવું છે? અને જો મને શાંતિ દેખાતી ન હોય, તો કદાચ મારે પોતે શાંત બનવાની જરૂર છે.
મારે પોતે એ શાંતિ, એ શ્રોતા અને એ સ્થિરતા બનવું પડશે જે હું દુનિયામાં જોવા માંગું છું.
આ કોઈને બતાવવા માટે નથી કરવાનું અથવા કોઈ સ્ટ્રેટજી નથી વાપરવાની , પણ મારે મારા રોજિંદા જીવનમાં તેને ઉતારવાનું છે.
મારે કોઈ મોટા પરિણામો નથી જોઈતા કે મારે કોઈની સાથે દલીલો પણ નથી જીતવી કે મારે કોઈ અનુયાયીઓ (followers) બનાવવા નથી. હું કોઈને દૂર પણ નથી ધકેલી રહ્યો. મારે તો બસ અત્યારની ક્ષણમાં જીવતા શીખવું છે.
કોઈ વસ્તુ પાછળ ભાગવું નથી, કોઈને પકડી રાખવા નથી કે કોઈનો બદલો લેવો નથી.
બસ એવો વિશ્વાસ રાખવો છે કે જે મારે કરવાનું છે તે સમય આવ્યે સામે આવી જશે. જે લોકોએ મારી સાથે જોડાવાનું છે તે જોડાશે. ઘણા જોડાશે નહીં અને તે પણ બરાબર છે.
આ જ બરાબર હોવું જોઈએ, કારણ કે કદાચ શાંતિ ક્યારેય એવી વસ્તુ નહોતી જે આપણે બનાવેલી હતી. શાંતિ તો આપણી અંદર જ છે, બસ આપણે તેને યાદ કરવાની જરૂર છે.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
તમે આ વાત સાથે કેટલા સહમત છો કે "શાંતિની સ્પષ્ટ ગેરહાજરીમાં પણ શાંતિ હોય છે" - કે આપણે જે શોધી રહ્યા છીએ તે ખરેખર અદૃશ્ય થઈ ગયું નથી પરંતુ તે આપણને ફરીથી અનુભવવા માટે પૂરતા સહજ બનવા માટે કહી રહ્યું છે?
શું તમે તમારા જીવનનો એવો કોઈ કિસ્સો વર્ણવી શકો છો જ્યારે તમને ખબર પડી હોય કે તમે જે શોધી રહ્યા હતા તે જ તમને બરાબર દેખાઈ રહ્યું હતું, પછી તે તૂટેલી સ્થિતિ અને ડર હોય અથવા પ્રેમ અને સંભાળની નજીકનું કંઈક હોય?
તમે જે શાંત, શ્રોતા કે સ્થિર થવા ઈચ્છો છો, તે બનવાનો અભ્યાસ કરવામાં તમને કઈ બાબત મદદ કરે છે ?
Seed Questions for Reflection
How do you relate to the notion that "even in the apparent absence of peace, there is peace" - that what we're searching for hasn't actually disappeared but is asking us to soften enough to sense it again? Can you share a personal story of a time when you discovered that you were seeing exactly what you were looking for, whether that was brokenness and fear or something closer to love and care? What helps you practice being the calm or the listener or the steadiness you wish to see, not as a performance but just quietly in the way you move through your day?