Seeing Reality As It Is


Image of the Weekવાસ્તવિકતાને તેના મૂળ સ્વરૂપમાં નિહાળવી
-- અન્નાકા હેરિસ દ્વારા


ધ્યાન (Meditation) એ ક્ષણે-ક્ષણના અનુભવો—લાગણીઓ, વિચારો અને સંવેદનાઓનો અવિરત પ્રવાહ પર એકાગ્રતા કેળવવાનું એક કઠિન કાર્ય છે. આ પ્રક્રિયામાં આપણે તે અનુભવો પર કોઈ નિર્ણય નથી લેવાનો કે તેનું અર્થઘટન નથી કરવાનું, તેમજ તેને આપણા કાર્યો પર હાવી થવા દેવાના નથી. તેના સરળ સ્વરૂપમાં ધ્યાન એ એક એવું કૌશલ્ય છે જે આપણા ઉત્ક્રાંતિ પામેલા મૂળભૂત આવેગો જેવા કે: ભવિષ્યનું આયોજન, ભૂતકાળમાંથી શીખવું, ખાવા-પીવાની ઈચ્છાઓ, પીડા ટાળવી વગેરેને ક્ષણભર બાજુ પર મૂકી દે છે. તેના બદલે, ધ્યાન દરમિયાન વ્યક્તિ વિચારો અને સંવેદનાઓને માત્ર આવવા-જવા દે છે. આમ કરવાથી, આ અનુભવો રોજિંદા જીવન કરતા એક અલગ જ સ્વરૂપ ધારણ કરે છે.

જ્ઞાનાત્મક વૈજ્ઞાનિક (cognitive scientist) ડોનાલ્ડ હોફમેન દ્વારા વિકસાવવામાં આવેલ 'ફિટનેસ-બિટ્સ-ટ્રુથ' (FBT) સિદ્ધાંત જણાવે છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા સત્ય (મૂળભૂત વાસ્તવિકતા) ને છુપાવીને જ સફળ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ પ્રણાલી બ્રહ્માંડના સાચા સ્વરૂપને જેટલું ઓછું રજૂ કરે, તેટલી તેની ટકી રહેવાની (survival) શક્યતા વધી જાય છે. ઉદાહરણ તરીકે, આપણને દેખાતો 'લીલો' રંગ દુનિયામાં વ્યવહાર કરવા માટે ઉપયોગી છે, પરંતુ તે પાંદડા પરથી પરાવર્તિત થતા પ્રકાશના તરંગો (lightwaves), રેટિનામાં તેનો પ્રવેશ અને મગજ દ્વારા થતી તેની પ્રક્રિયા જેવી વાસ્તવિક ઘટનાઓનો કોઈ સંકેત આપતો નથી. FBT સિદ્ધાંત આનાથી પણ આગળ વધીને તર્ક આપે છે કે—આપણા તમામ અનુભવો, અહીં સુધી કે સમય અને અવકાશ (space and time) પણ—આપણને વાસ્તવિકતાના સાચા સ્વરૂપ વિશે ગેરમાર્ગે દોરે છે. આનો અર્થ એ નથી કે આપણી સંવેદનાઓ વાસ્તવિકતાનો સારો નકશો નથી; જો તે ન હોત, તો આપણે ઉત્ક્રાંતિમાં ટકી શક્યા ન હોત. 'લીલો રંગ' એ ઘણી બધી માહિતીને એક જ અનુભવમાં સંકુચિત કરવાની શ્રેષ્ઠ રીત છે, પરંતુ તે આપણને પ્રકાશના તરંગો વિશે કંઈ જ કહેતું નથી, અને તે આપણને એવું માનવા પ્રેરે છે કે આપણા અનુભવની બહાર ક્યાંક 'લીલો' રંગ અસ્તિત્વ ધરાવે છે.જો FBT સિદ્ધાંત સાચો હોય, જેમાં મને પૂરો વિશ્વાસ છે, તો એ માનવું તર્કસંગત છે કે ધ્યાનની તાલીમ આપણને વાસ્તવિકતાના મૂળભૂત સ્તરને સમજવામાં મદદ કરી શકે છે, કારણ કે તે આપણી ઉત્ક્રાંતિ પામેલી દ્રષ્ટિને નવેસર થી કેળવવાની (un-train) કરવાની એક પ્રક્રિયા છે.

કદાચ આપણે એ જાણીને નવાઈ ન પામવી જોઈએ કે લોકો ધ્યાનમાં નિયમિતપણે અવકાશ અને સમયથી પર હોય તેવી અવસ્થાઓનો અનુભવ કરે છે, જે 'એકત્વ' (Oneness) તરીકે પ્રગટ થાય છે અને જેમાં હવે 'અલગ અસ્તિત્વ ધરાવતા સ્વ' (Self) જેવું કશું રહેતું નથી. ન્યુરોસાયન્સ અને ભૌતિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે આ ત્રણેય ધારણાઓ—અવકાશ, સમય અને સ્વ એ મૂળભૂત ભૌતિક વાસ્તવિકતાનું વિકૃત સ્વરૂપ છે. તેને એક રીતે ભ્રમ પણ કહી શકાય. આનો અર્થ એ નથી કે ધ્યાન આપણને માનવ તરીકેના જીવનની કદર કરતા રોકે છે. તેનાથી ઉલટું, જિજ્ઞાસા, સ્વતંત્રતા અને વર્તમાનમાં રહેવાની ક્ષમતા વધારીને, ધ્યાન વ્યક્તિને માનવીય અનુભવોની વિશાળ શ્રેણીમાં સુંદરતા અને વિસ્મય શોધવામાં મદદ કરે છે. પરંતુ એમાં કોઈ આશ્ચર્ય નથી કે આ વિશિષ્ટ કૌશલ્ય કેળવવું એ કેટલીક પરિસ્થિતિઓમાં આપણને વાસ્તવિકતાને વધુ સચોટ રીતે જોવામાં મદદરૂપ સાધન બની શકે છે. જો ઉત્ક્રાંતિ વ્યાખ્યા મુજબ આપણી પાસેથી સત્ય છુપાવે છે, તો એ તર્કસંગત છે કે મનને આપણા સભાન અનુભવના શુદ્ધ સ્વરૂપ સુધી લઈ જવાની તાલીમ આપવી—થોડી મિનિટો, કલાકો કે દિવસો માટે આપણી ઉત્ક્રાંતિ પામેલી ધારણાઓ અને વૃત્તિઓને છોડી દેવી—આપણને તે બ્રહ્માંડની વધુ સ્પષ્ટ ઝલક આપી શકે છે જેમાં આપણે સમાયેલા છીએ.

ચિંતન માટેના બિજ પ્રશ્નો:
ધ્યાન ખરેખર આપણી ઉત્ક્રાંતિ પામેલી ધારણાઓને 'અન-ટ્રેન' કરીને સમય, અવકાશ અને 'સ્વ' ના ભ્રમથી પર થઈ વાસ્તવિકતાના મૂળભૂત સ્તરને પ્રગટ કરી શકે છે, તે વિચાર વિશે આપનું શું મંતવ્ય છે?

શું તમે તમારો એવો કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યારે તમે તમારા સામાન્ય પૂર્વગ્રહો કે નિર્ણયો છોડી દીધા હોય અને ઊંડા 'એકત્વ' અથવા જોડાણનો અનુભવ કર્યો હોય?

રોજિંદા જીવનમાં વર્તમાનમાં રહેવાની આદત કેળવવા માટે આપને શું મદદરૂપ થાય છે, જેથી આપ જીવનની સુંદરતા અને વિસ્મયને વધુ ઊંડાણપૂર્વક અનુભવી શકો?
 

Annaka Harris is the New York Times bestselling author of CONSCIOUS and writer and producer of the audio documentary series, LIGHTS ON.


Add Your Reflection

8 Past Reflections