મને કાચું ન છોડો
ઓમિદ સફી દ્વારા
એક સ્ત્રી આગની પાસે ઊભી હતી. તે સૂકા, કઠણ ચણાના થોડા દાણા પાણીમાં નાખી રહી હતી. જેમ પાણી ઉકળવાનું શરૂ થયું, તેમ તેનું મન વિચારોમાં ડૂબી ગયું. અચાનક તેને એક અવાજ સંભળાયો: "હું બળી રહ્યો છું!"
તે વિચારોમાંથી બહાર આવી ગઈ અને આજુબાજુ જોયું, કોઈ જ ન દેખાતા તે ફરી વિચારોમાં ખોવાઈ ગઈ. ફરીથી તે અવાજ સંભળાયો: "હું બળી રહ્યો છું!"
આ વખતે તેણીએ ધ્યાનથી જોયું તો સમજાયું કે તે અવાજ ઉકળતા પાણીના વાસણમાંથી આવી રહ્યો છે. વધુ ચોક્કસ રીતે જોતાં, તે અવાજ એક ચણાના દાણાનો આવી રહ્યો હતો. તે નાનો દાણો ઉકળતા પાણીમાં ફરતા ફરતા મહિલાને વિનંતી કરવા લાગ્યો: "હું બળી રહ્યો છું, મને બહાર કાઢો!"
સ્ત્રીએ કરુણા સાથે ચણાના દાણા તરફ જોયું. ચણાનો દાણો ઉકળતા પાણીમાં ઉપર-નીચે ફરી રહ્યો હતો. આગ એટલી વધુ હતી કે પાણી ઉકળતું હતું, આ કેવી આગ છે કે જે પાણીને ઉકાળે છે?
ચણાએ ફરી વિનંતી કરી: "મને અહીંથી બહાર કાઢો!"
સ્ત્રીએ એક ચમચો લીધો અને ચણાને ઉકળતા પાણીમાં પાછો ધકેલી દીધો.
દાણો ચમચાની આસપાસ તરીને ફરી ઉપર આવ્યો અને કહ્યું, "તમને સંભળાયું નહીં? અહીં પાણી ઉકળે છે, મને બહાર કાઢો!"
સ્ત્રીએ પ્રેમપૂર્વક તેને કહ્યું: "પ્રિય ચણા, તું હજી કાચો છે. હું તને પાછો પાણીમાં ધકેલી રહી છું, કારણ કે તું હજી પાક્યો નથી. તું હજી કઠણ છો. તને અંદર સ્થાન મેળવવા યોગ્ય થવા પહેલા, તને પકાવવું પડશે."
રૂમી કહે છે: જ્યારે તમે આ સ્થાન એક પરીપૂર્ણ માટે છોડી દો છો, ત્યારે તમે એક સ્વાદિષ્ટ કોળિયો બનશો અને પછી પુનરાર્થન પામશો.
આપણે બધા આવા જ છીએ, કઠોર હૃદયના, મૃદુ થવાની પ્રક્રિયામાં પક્વ થઈ રહ્યા છીએ. સમગ્ર જીવન આવું જ છે: પ્રેમની આગમાં પાકવાનું, કઠોરતા થી મૃદુતા તરફ જવાનું, અપરિપક્વતા થી આધ્યાત્મિક પરિપક્વતા તરફ જવાનું. આપણે દરેકે આ પરિવર્તનમાંથી પસાર થવું જ પડશે, 'સંપૂર્ણ તૈયાર' થતાં પહેલા.
રૂમીએ પોતાનું જીવનનો આ રીતે સારાંશ આપ્યો છે: "મારા સમગ્ર જીવનનો સાર આ ત્રણ શબ્દોમાં સમાયેલો છે: હું કાચો હતો, પછી હું પક્વ થયો અને હવે હું જ આગ બની ગયો છું."
આપણે મોટાભાગના લોકો માત્ર કાચામાંથી પરિપક્વ થવામાં જ સંતુષ્ટ છીએ. પરંતુ થોડા લોકો જ એવા હોય છે જે ફક્ત મુક્તિ જ નહીં, પવિત્રતા પણ ઈચ્છે છે, જેમણે આખરે 'આગ' બની જવાનું ધ્યેય રાખ્યું હોય છે. તેઓ પોતે તો પાકે છે, પરંતુ તેમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિ પણ પાકે છે.
એવી એક આગ છે, જે દિવ્ય પ્રેમ (ઈશ્ક)ની આગ છે. આ પ્રેમ માત્ર લાગણી નથી, તે ઈશ્વરની સ્વયં હાજરીથી ઓછી નથી, જે દુનિયામાં પ્રસરી ગઈ છે.
રૂમી બીજા એક કાવ્યમાં પોતાના પ્રેમ, શેમ્સ, કે જેનો પ્રેમ તેને પક્વ બનાવે છે, ને વિનંતી કરે છે: "મને કાચો ન છોડો."
અવારનવાર આપણે પણ આવું જ કરીએ છીએ. શરૂઆતમાં પ્રેમની આગમાં આપણે પાકવાનું શરૂ કરીએ, જે આપણને રૂપાંતરિત કરે છે. આપણે મૃદુ અને પરિપક્વ મનુષ્ય બનવાની શરૂઆત કરીએ છીએ, અને પછી પ્રેમથી દૂર થઈ જઈએ છીએ. આગમાં પાકવું મુશ્કેલ છે, આપણાં 'કાચાપણા' ને છોડવું પીડાદાયક છે. આપણો અહંકાર પ્રેમને સહન કરી શકતો નથી, તે પ્રેમની આગમાંથી બહાર કાઢવા વિનંતી કરે છે. અને આપણે અર્ધ-પક્વ રહીએ છીએ, જેનો અર્થ છે: અધકચરા.
આ અધકચરી સ્થિતિમાં બીજા મનુષ્યના જીવનમાં પ્રવેશવાથી આપણે તેમને પણ દુખ પહોંચાડીએ છીએ.
ખરેખર આપણે પોતે જ ચણા છીએ, આપણે જ પ્રેમની આગ છીએ, અને આપણે જ તે રહસ્યવાદી રસોઈયા છીએ, જે પોતાને આગમાં પાછો ધકેલીને પૂરેપૂરા પકવવા પ્રેરિત કરે છે.
પ્રાર્થના કરીએ કે આપણે હિંમત ધરાવીએ કે જેથી આપણે પક્વ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ શકીએ, આગને સમર્પિત થવાની હિંમત ધરાવીએ, પક્વ થવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હિંમત ધરાવીએ, જે આપણને અન્ય માનવના હૃદયમાં સ્થાન મેળવવા યોગ્ય બનાવશે.
પક્વ અને અર્ધપકવ વચ્ચે ઘણો મોટો તફાવત છે. તમે કોઈને પોષણ આપશો કે તેમને નુકસાન પહોંચાડશો તે, તે તફાવત પર નિર્ભર છે.
કેવું સુંદર હશે તેને શોધવું કે જે આપણને પ્રેમની આગમાં ફરીથી ધકેલશે, જેથી આપણે પાકવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકીએ. ઓ રહસ્યમય રસોઈયા, તમે જે પ્રેમની આગની ભેટ ધરાવો છો, હું માત્ર એટલી વિનંતી કરું છું: મને કાચું ન છોડો.
વિચાર માટેના બીજ પ્રશ્નો:
* આપણે પોતે જ ચણા, આગ અને રહસ્યમય રસોઈયા છીએ, જે આપણને ઉકળતા પાણી માં પાછા ધકેલે છે, આ વિચાર સાથે તમે કેવી રીતે સંબંધિત છો?
* શું તમે કોઈ એવો પોતાનો અનુભવ વર્ણવી શકો છો, જ્યારે તમે સંપૂર્ણપણે 'પાકવાની' પ્રક્રિયામાં સમર્પિત થયા હતા?
* કઈ પ્રક્રિયા તમને મૃદુ બનાવશે અને કઈ તમને વધુ કઠોર બનાવશે, તે ઓળખવામાં તમને શું મદદ કરે છે?
Seed Questions for Reflection
How do you relate to the notion that we ourselves are the chickpea, fire and the mystic chef that pushes us back into the boiling water? Can you share a personal story of a time you committed to being cooked fully? What helps you distinguish between a process that will soften you from other processes that will harden you?