પીડા સાથે જીવવા માટે જરૂરી કૌશલ્ય
ડાર્લીન કોહેન દ્વારા
વેદનાને સંપૂર્ણ રીતે સ્વીકારવું કોઈ હાર માની લેવાની સ્થિતિ નથી. તેના બદલે, તે જીવનના અત્યંત સૂક્ષ્મ અને અંતરંગ સ્વરૂપ સાથેનો એક સક્રિય સંવાદ છે. તે પીડાને મળવું, તેના સાથે નૃત્ય કરવું, તેના પર ક્રોધ અનુભવવો અને ફરી તેની તરફ વળી તેને નિહાળવું છે. આ સ્તરે પોતાના દુઃખના સ્વીકાર માટે આપણે ખાસ કૌશલ્યો વિકસાવવા પડે છે. જ્યારે તમે આ કૌશલ્યોમાં થોડું પ્રાવિણ્ય મેળવો છો, ત્યારે તે વેદના સાથે જીવવું લાચારીભર્યું નહીં પરંતુ એક ઊંડા આલિંગન જેવું લાગે છે — જાણે બે યોદ્ધાઓ વચ્ચે કોઈ આત્મીય સંબંધ રચાય છે. માત્ર હાર સ્વીકારી લેવી તો એક નિર્જીવ અને નિષ્ક્રિય ભાવ છે.
તો પછી એ વિનાશ, દુઃખ અને પીડા સાથે જીવવા માટે કયા કૌશલ્યો જરૂરી છે, જે દિવસ-રાત તમારી સાથે રહે છે અને કદાચ લાંબા સમય સુધી રહેશે? જો તમે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હો, તો તમારું કાર્ય છે:
(1) તે પરિસ્થિતિને અને તેના કારણે તમને ચૂકવવી પડતી કિંમતને સ્વીકારવી, અને
(2) પોતાના જીવનને અનેકગણું વધુ સમૃદ્ધ બનાવવું.
પોતાના દુઃખને સ્વીકારવું અને તે દુખદ પરિસ્થિતિ સાથે જીવવા માટે તમને ખરેખર શું કિંમત ચૂકવવી પડે છે તે સમજવું — એ ઊર્જાના એવા સ્ત્રોત સુધી પહોંચવાનુ પહેલુ પગથિયુ છે, જેને આપણે ઘણી વાર પોતાની નિરાશાથી ભાગવાના પ્રયત્નોમાં બંધ કરી નાખીએ છીએ. હું એવા લોકો સાથે કામ કરું છું જેમને આર્થ્રાઇટીસ, અને સ્ટ્રોક જેવી બીમારીઓ છે. એમમાંથી ઘણા લોકોને સતત, કદી ન સમાપ્ત થતો દુઃખાવો રહે છે. તેઓ મને પૂછે છે: “હું મારા દુઃખને શા માટે સ્વીકારું? મારી આટલી પીડા સાથે વર્તમાન ક્ષણમાં શા માટે જીવું? હું તો ધ્યાન ભટકાવી દઉં એ સારું.” આખરે શા માટે?
કદાચ મુખ્ય વાત એ છે કે જો તમે દુઃખ સાથે જીવવા માટે એવી રીત બનાવો છો જે માત્ર ધ્યાન ભટકાવવા પર આધારિત હોય, તો તે લાંબા ગાળે કામ કરતી નથી. થોડા સમય માટે — કલાકો કે દિવસો માટે — તમે તેને નકારી શકો અથવા ધ્યાન હટાવી શકો. ટૂંકા ગાળા માટે ‘અસ્વીકાર’ ઉપયોગી છે — તે તમને કોઈ સંકટ હોવા છતાં સમયમર્યાદા પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે અથવા ભારે પરિસ્થિતિને ધીમે ધીમે સ્વીકારવામાં સહાય કરી શકે છે — પરંતુ લાંબા ગાળે તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. જો તમે લાંબા સમય સુધી પોતાની પીડા કે દુઃખને નકારતા રહો, તો તમે ‘અનુભૂતિહીનતા’ (nonfeeling)ની એક રંગહીન દુનિયામાં જીવવા લાગો છો. અસ્વીકારની સ્થિતિ જાળવવા માટે, તમારે તમારી પરિસ્થિતિ વિશે આવતી દરેક માહિતીથી, બીજા લોકોની પ્રતિક્રિયાઓથી, અને પોતાની અંદરથી ઊભી થતી લાગણીઓથી પણ મોં ફેરવવું પડે છે. પરિણામે તમારી ચેતના ખૂબ જ સંકુચિત બની જાય છે અને તમારું જીવન વૈવિધ્ય, સમૃદ્ધિ અને લાગણીઓ વિના માત્ર અસ્તિત્વના એક જ સ્તર પર અટકી જાય છે.
પહેલાં મેં કહ્યું હતું કે પોતાના જીવનને અનેકગણું સમૃદ્ધ બનાવવું એક ઉપયોગી કૌશલ્ય છે. તેનો અર્થ એ છે કે જો કોઈપણ ક્ષણે તમે દસ અલગ તત્વો પ્રત્યે જાગૃત હો — જેમ કે મારી અવાજ, ખુરશી પર તમારું બેસવું, બહારથી પસાર થતી કારોનો અવાજ, કપડાં ધોવાના વિચારો, એર-કન્ડિશનરનો અવાજ, નાક પરથી સરકતા ચશ્મા, પીઠમાં દુખાવાની એક તીવ્ર લહેર, નાસિકામાં પ્રવેશતી ઠંડી હવા અને બહાર નીકળતી ગરમ હવા — તો આ દસમાંથી એક ભાગ જેટલો દુખાવો પણ અસહ્ય લાગી શકે છે અને આખા જીવન પર છવાઈ શકે છે. પરંતુ જો આ ક્ષણે તમે સો તત્વો પ્રત્યે જાગૃત હો — માત્ર આ દસ વસ્તુઓ નહીં, પણ વધુ સૂક્ષ્મ બાબતો પ્રત્યે પણ, જેમ કે રૂમમાં શાંતિથી બેઠેલા લોકોની ઉપસ્થિતિ, દીવાલ પર દીવાના પડછાયા, તમારા કાનને અડતા વાળ, તમારી ત્વચા પર કપડાંનો સ્પર્શ — અને આ બધાની વચ્ચે તમને દુખાવો પણ અનુભવાય છે, તો એ પીડા તમારી ચેતનાના સો તત્વોમાંથી માત્ર એક બની જાય છે. અને એ એવી પીડા છે જેની સાથે તમે જીવી શકો છો. તે જીવનની અગણિત સંવેદનાઓમાંથી માત્ર એક બની રહે છે.
એક લાંબા સમયથી બીમાર વ્યક્તિ તરીકે, અને એવા લોકો સાથે કામ કરતી વ્યક્તિ તરીકે જેમને લાંબા ગાળાની શારીરિક મુશ્કેલીઓ તથા તેનાથી જોડાયેલી નિરાશા કે કડવાશ હોય છે, મને આ બાબતમાં ખૂબ રસ છે કે લોકો એવું શું કરે છે જે તેમની ઉપચાર પ્રક્રિયા પર અસર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં જોયું છે કે સૌથી મહત્વપૂર્ણ ઉપચાર ઊંડા આનંદના અનુભવ દ્વારા લોકો મેળવી શકે છે. આ શારીરિક અને આધ્યાત્મિક બંને પ્રકારના ઉપચાર માટે સાચું છે.
જ્યારે તમારું દુઃખ જૂનું કે તીવ્ર હોય, ત્યારે તમે આનંદની ક્ષણોને માત્ર સંજોગો પર છોડીને અનુભવી શકતા નથી. તમારે આનંદને ગંભીરતાથી લેવાનું અને જીવનમાં એવી લાગણીઓ માટે અવસર સર્જતા શીખવું પડે છે. જો તમે ભાવનાત્મક તાણ કે શારીરિક પીડાથી દબાયેલા હો, તો હું તમને સલાહ આપું છું કે જ્યાં પણ આનંદ છુપાયેલો હોય ત્યાં તેને ઓળખવાની ક્ષમતા વિકસાવો.
મનન માટેના બીજ પ્રશ્નો:
- આ વિચાર વિશે તમારું શું માનવું છે કે પીડાનો ખરેખર સ્વીકાર એટલે તેની સાથેનું “સક્રિય જોડાણ” “તેને મળવું, સાથે નૃત્ય કરવું, તેના પર ક્રોધ કરવો, તેને નિહાળવું”
— માત્ર લાચાર બની હાર માનવુ નહીં? - શું તમે તમારા જીવનની એવી કોઈ ઘટના વર્ણવી શકો છો જ્યાં તમે દુઃખથી ધ્યાન ભટકાવવાને બદલે એ સ્વીકાર્યું કે તે પીડા તમારામાંથી શું છીનવી રહી હતી, અને પછી તમે તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કર્યો?
- દરેક ક્ષણની સંપૂર્ણતા ઓળખવામાં અને તેમાં રહેલા ઊંડા આનંદને અનુભવવામાં તમને શું મદદ કરે છે?
Darlene Cohen was a Zen teacher who counseled chronic pain clients and gave arthritis workshops, classes, lectures, and pain seminars in private practice and at medical facilities and meditation centers throughout the San Francisco Bay Area, as well as Spokane, Washington, and Evanston, Illinois.
Seed Questions for Reflection
What do you make of the idea that truly accepting pain is "active engagement" - a kind of "meeting, dancing with, raging at, turning toward" - rather than passive resignation? Can you share a personal story of a time when you shifted from trying to distract yourself from suffering to acknowledging what it was costing you, and enriching your life exponentially? What helps you notice the totality of each moment and a deep pleasure within it?