ક્રાંતિકારી શિક્ષક
લેખક: પાઉલો ફ્રેઇરે
વર્ણન કરવાની પદ્ધતિમાં શિક્ષક વાર્તાકાર બને છે અને વિદ્યાર્થીઓને કહેલી વાતને યાંત્રિક રીતે યાદ રાખવા તરફ દોરી જાય છે. વધુ ખરાબ વાત એ છે કે આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને “કન્ટેનર” અથવા “પાત્ર” બનાવી દે છે, જેને શિક્ષક દ્વારા “ભરવા” માટે બનાવવામાં આવ્યા હોય એમ લાગે છે. શિક્ષક જેટલા સંપૂર્ણ રીતે આ પાત્રોને ભરે, એટલા તે સારા શિક્ષક ગણાય છે. અને વિદ્યાર્થીઓ જેટલા શાંતિથી પોતાને ભરાવા દે, એટલા સારા વિદ્યાર્થી ગણાય છે.
આ રીતે શિક્ષણ એક “જમા કરવાની ક્રિયા” બની જાય છે. તેમાં વિદ્યાર્થીઓ ડિપોઝિટરી (જ્યાં જમા થાય છે) બને છે અને શિક્ષક ડિપોઝિટ કરનાર બને છે. સંવાદ કરવાની જગ્યાએ શિક્ષક માત્ર સૂચનાઓ આપે છે અને માહિતી જમા કરાવે છે, જેને વિદ્યાર્થી ધીરજથી સ્વીકારે છે, યાદ કરે છે અને પુનરાવર્તન કરે છે. આને શિક્ષણનો “બેંકિંગ” મોડલ કહેવામાં આવે છે. આ મોડલમાં વિદ્યાર્થીઓને માત્ર એટલી જ સ્વતંત્રતા હોય છે કે તેઓ માહિતી સ્વીકારે, ગોઠવે અને સંગ્રહ કરે. સાચું છે કે તેઓ આ સંગ્રહેલી વસ્તુઓના સંગ્રાહક કે નોંધકર્તા બની શકે છે. પરંતુ અંતે, આ પદ્ધતિમાં સર્જનાત્મકતા, પરિવર્તન અને સાચા જ્ઞાનના અભાવને કારણે માણસો પોતે જ એક રીતે “ફાઇલ” થઈ જાય છે. કારણ કે પ્રશ્નો પૂછ્યા વિના અને વિચારપ્રક્રિયા વિના વ્યક્તિ સાચા અર્થમાં માનવી બની શકતી નથી. જ્ઞાન તો ત્યારે જ જન્મે છે જ્યારે લોકો સતત નવી શોધ, ઉત્સુકતા અને આશાભર્યા પ્રશ્નો દ્વારા દુનિયા સાથે, અને એકબીજા સાથે સંવાદ કરે છે.
શિક્ષણના બેંકિંગ મોડલમાં જ્ઞાનને એક ભેટ તરીકે માનવામાં આવે છે, જે પોતાને જ્ઞાની માનનારા લોકો તેઓને આપે છે જેને તેઓ અજ્ઞાની ગણે છે. પરંતુ શિક્ષણનો સાચો આરંભ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિરોધાભાસને દૂર કરીને થઈ શકે છે—એ રીતે કે બંને એકસાથે શિક્ષક પણ હોય અને વિદ્યાર્થી પણ.
જે લોકો શિક્ષણમાં “બેંકિંગ પદ્ધતિ” નો ઉપયોગ કરે છે—જાણતા હોય કે અજાણતા (કારણ કે ઘણા સારા ઈરાદાવાળા શિક્ષકો પણ એવા હોય છે જેમને ખબર નથી પડતી કે તેઓ માનવતાને નબળી બનાવી રહ્યા છે)—તેઓ સમજી શકતા નથી કે આ “જમા કરાવેલી માહિતી” માં જ વાસ્તવિકતાના વિરોધાભાસ રહેલા હોય છે. પરંતુ ક્યારેક તો આવાં વિરોધાભાસો પહેલાંથી નિષ્ક્રિય રહેલા વિદ્યાર્થીઓને તેમની પર લાદવામાં આવેલી આદતો અને વાસ્તવિકતાને પણ એ જ રીતે ઢાળવાના પ્રયાસો સામે ઊભા થવા પ્રેરિત કરે છે. તેઓ પોતાના જીવંત અનુભવોથી સમજવા લાગે છે કે તેમનું હાલનું જીવન સંપૂર્ણ માનવ બનવાના તેમના હેતુ સાથે મેળ ખાતું નથી. તેઓ વાસ્તવિકતા સાથેના સંબંધોમાંથી સમજવા લાગે છે કે વાસ્તવિકતા એક સતત બદલાતી પ્રક્રિયા છે. જો પુરુષ અને સ્ત્રીઓ શોધક સ્વભાવ ધરાવે છે અને તેમનું મૂળ સ્વરૂપ માનવતાને પ્રાપ્ત કરવાનો છે, તો વહેલાં કે મોડાં તેઓ સમજી જશે કે બેંકિંગ શિક્ષણ તેમને એક વિરોધાભાસમાં બાંધી રાખે છે—અને પછી તેઓ પોતાની મુક્તિ માટે સંઘર્ષમાં જોડાઈ જશે.
પરંતુ માનવતાવાદી ક્રાંતિકારી શિક્ષક આ શક્યતા માટે રાહ જોઈ શકતો નથી. શરૂઆતથી જ તેના પ્રયત્નો વિદ્યાર્થીઓના પ્રયત્નો સાથે જોડાયેલા હોવા જોઈએ જેથી બંને મળીને સમીક્ષાત્મક વિચાર અને પરસ્પર માનવીકરણની શોધમાં જોડાઈ શકે. તેના પ્રયત્નોમાં લોકો પ્રત્યે અને તેમની સર્જનાત્મક શક્તિ પ્રત્યે ઊંડો વિશ્વાસ હોવો જોઈએ. આ હાંસલ કરવા માટે શિક્ષકને વિદ્યાર્થીઓ સાથે ભાગીદાર બનીને સંબંધ બાંધવો જોઈએ.
મનન માટે બીજ પ્રશ્નો:
- “જ્ઞાન માટે લોકો દુનિયા સાથે અને એકબીજા સાથે સતત, ઉત્સુક અને આશાભર્યા પ્રશ્નો દ્વારા શોધ કરે છે— જ્ઞાન માત્ર અન્ય લોકો કહે તે સાંભળીને સંગ્રહ કરવાથી નહીં મળે”
— આ વિચાર વિશે તમે શું વિચારો છો? - શું તમે તમારા જીવનમાંથી એવો કોઈ અનુભવ શેર કરી શકો છો જ્યાં તમે માત્ર સાંભળીને સ્વીકારનાર વિદ્યાર્થીમાંથી એક શોધક બન્યા હો?
- દુનિયા અને લોકો સાથે સતત પ્રશ્નો પૂછતા અને શીખતા રહેવા માટે તમને શું પ્રેરણા આપે છે, જેથી તમે માત્ર સાંભળીને અટકી ન જાઓ?
Excerpted from the book, Pedagogy of the Oppressed.
SEED QUESTIONS FOR REFLECTION: What do you make of the idea that "knowledge emerges only through invention and re-invention, through the restless, impatient, continuing, hopeful inquiry human beings pursue in the world, with the world, and with each other" - rather than through receiving and storing what others tell us? Can you share a personal story of a time when you moved from being a passive "receptacle" to becoming an active searcher, perhaps discovering that your "ontological vocation is humanization" through your own lived questioning rather than accepting ready-made answers? What helps you stay engaged in that restless, hopeful inquiry with the world and with others, resisting the quieter temptation to simply file away what you're told and stop searching?