કયા અસત્યને પ્રેમ કરવો
~ લાઓ ત્સે (Lao Tzu)
અસંખ્ય યુગોથી આ પંથે ચાલતો રહ્યો છું,
મનના સાગરને એક છેડેથી બીજા છેડે સુધી પાર કરતો રહ્યો છું,
તમામ આવરણોને ભેદીને, આખરે તેના ઉદ્ગમસ્થાનનાં દર્શન કર્યાં છે.
મારી પાછળ જ આ જ માર્ગે ચાલતા,
હે સત્યના નિષ્ઠાવાન સાધક,
મારું આ અપૂર્ણ દર્શન તને અર્પણ કરું છું :
અનુભવી શકાય છે તો માત્ર અસત્યોને;
આથી, અસ્તિત્વ ધરાવે છે તો માત્ર અસત્યો જ.
સત્ય અસ્તિત્વનો ભાગ નથી,
કારણ કે સત્ય તો એ છે જે અસ્તિત્વને અભિવ્યક્તિ આપે છે,
જેમ રણશિંગું સંગીતને સ્વર આપે છે
અનુભવો એ સ્વ-સંદર્ભની આત્મછલનાઓ છે;
તેઓ શૂન્યમાંથી જન્મે છે અને શૂન્યમાંથી જ ઘડાય છે.
જો તું પોતાની અંદર ઊંડે ઊતરશે,
તો તને હંમેશાં આત્મવંચનાનું એક એવું પડ મળશે,
જેના પર આખરે તારી પ્રત્યેક માન્યતાનો પાયો ટકેલો છે.
વ્યક્તિની વાસ્તવિકતાનો ઉદય આત્મવંચનાના એ પ્રથમ પડમાંથી થાય છે,
જે તેની વિવેચનાત્મક સભાનતાની પકડની બહાર રહી જાય છે.
આ સભાનતાનું ક્ષેત્ર જેટલું ઊંડું, આત્મવંચના એટલી જ સૂક્ષ્મ.
આથી, જેમનામાં વિવેચનાત્મક સભાનતા ઓછી હોય છે,
તેઓ વધુ રંગીન જીવન જીવે છે;
તેમની કલ્પિત સૃષ્ટિ વધુ સમૃદ્ધ હોય છે.
સત્યની નિષ્ઠાવાન શોધ પોતાના જ શોધકનો વિનાશ કરે છે,
ધીમે ધીમે, પુનરાવર્તિત રીતે, અંદરથી જ.
મારી અંદરનાં આત્મવંચનાનાં દરેક પડ ઉખેડી નાખ્યા પછી,
મને જણાયું છે કે મારી અંદર કોઈ કેન્દ્રીય અસ્તિત્વ જ નથી:
કંઈ જ શેષ રહ્યું નથી.
માત્ર શૂન્ય જ સત્ય છે.
કોઈ બાહ્ય સંદર્ભ અસ્તિત્વમાં નથી, કોઈ બાહ્ય નિર્ણાયક પણ નથી.
આપણે સ્વયં રચેલી કાલ્પનિક સૃષ્ટિઓ છીએ,
અને આપણું બ્રહ્માંડ પણ એવું જ છે.
સત્યની શોધ એ સ્વ-વિલીનતાનો માર્ગ પણ છે,
અને એ રીતે મુક્તિનો માર્ગ પણ.
આનંદિત થા, કારણ કે તારી પીડાઓ, ભય, હતાશાઓ અને પસ્તાવાઓ
આ બધું જ અસત્ય છે.
ડરવા જેવું કંઈ નથી, પામવા માટે ઝઝૂમવા જેવું કંઈ નથી,
અને પસ્તાવા જેવું પણ કંઈ નથી.
તારી કોઈ આત્મા નથી; એ માત્ર આત્મવંચના છે.
અને તારું મૃત્યુ પણ નહીં થાય; એ પણ માત્ર આત્મવંચના છે.
પરંતુ સાવધાન!
જેમ સ્વપ્ન પ્રતીકાત્મક રીતે સ્વપ્ન જોનારની આંતરિક સ્થિતિને પ્રગટ કરે છે,
જેમ નવલકથા તેના લેખકના આંતરિક જીવનનો સંકેત આપે છે,
જેમ જૂઠું બોલનારનું અસત્ય તેની આંતરિક આશંકાઓને છતી કરે છે,
તેમ જ તું જેને વાસ્તવિકતા કહે છે,
તે કાલ્પનિક સૃષ્ટિ પણ સત્યના કોઈક અંશને ઉજાગર કરે છે.
આથી, જીવન પ્રત્યે સજાગ રહે,
કારણ કે સત્ય પોતાની અભિવ્યક્તિ માત્ર પોતાની જ કલ્પિત સૃષ્ટિઓ દ્વારા કરે છે.
કાલ્પનિકતામાંથી સત્યને પારખવું: આ છે બ્રહ્માંડની ગૂઢ પહેલી!
સંપૂર્ણ હૃદયથી જીવનમાં જોડાવું, છતાં તેમાં છેતરાઈ ન જવું:
આ છે પ્રકૃતિનો પડકાર!
શૂન્યતામાંથી અર્થ શોધવો: આ છે મહાકાવ્ય સમી જીવનની માંગ!
નાટ્યગૃહના એક અભિનેતાની જેમ વાસ્તવિકતામાં સહભાગી બન:
સજાગતા સાથે, સમર્પણ સાથે અને ખુલ્લા હૃદયે.
પરંતુ ક્યારેય પોતાને પોતાના પાત્ર તરીકે ન માનતો;
કારણ કે પાત્રો પોતાનું સમગ્ર જીવન પોતાની જ છાયાઓ પાછળ દોડવામાં વિતાવે છે,
જ્યારે અભિનેતાઓ અસ્તિત્વના અર્થને પોતાનામાં સાકાર કરે છે.
મારું આ નાનકડું દર્શન તારા માટે ચેતવણી પણ બને
અને પ્રેરણા પણ બને, એવી કામના.
આ માર્ગના અંતે મળતું પારિતોષિક અત્યંત મૂલ્યવાન છે:
સમજી-વિચારીને, કોઈ અપરાધભાવ વિના,
કયા અસત્યને પ્રેમ કરવો તેની પસંદગી કરવાની સ્વતંત્રતા.
આ પસંદગી વિવેકપૂર્વક કરજે,
કારણ કે એ જ છે જીવન જીવવાની કળા.
મનન માટેના બિજ પ્રશ્નો:
૧. કાલ્પનિકતામાંથી સત્યને પારખવું એ જ બ્રહ્માંડની ગૂઢ પહેલી છે — આ વિચાર સાથે તમે કેટલા સહમત છો? આ વિચારને તમે કેવી રીતે જુઓ છો?
૨. શું તમે તમારા જીવનનો એવો કોઈ અંગત પ્રસંગ શેર કરી શકો, જ્યારે તમે પોતાના વિશે કે પોતાના જીવન વિશે જે કંઈ કાલ્પનિક માનતા હતા, તેના એક આવરણને દૂર કર્યું હોય અને તેની નીચે કોઈ ઊંડું સત્ય છુપાયેલું હોવાનું અનુભવ્યું હોય?
૩. નાટ્યગૃહના એક અભિનેતાની જેમ વાસ્તવિકતામાં સહભાગી બનવા માટે, અને કયા અસત્યને પ્રેમ કરવો તેની પસંદગી અપરાધભાવ વિના કરવાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા માટે, તમને શાની મદદ મળે છે?
Bernardo Kastrup is the Executive Director of Essentia Foundation and Founder at AI systems company Euclyd BV.
How do you relate to the notion that the cosmic conundrum is to discern truth in fiction? Can you share a personal story of a time when you peeled back a layer of what you thought was fiction about yourself or your life, only to discover something true underneath? What helps you "partake in reality as an actor in a theater," exercising your freedom in making the guiltless choice of which untruth to love?