If You Really Pay Attention


Image of the Weekજો તમે સાચે ધ્યાન આપો
પૉલા અંડરવુડ દ્વારા




જ્યારે હું નાનકડી બાળકી હતી, લગભગ પાંચ વર્ષની, ત્યારે મારા પિતાએ એક પ્રક્રિયા શરૂ કરી… જયારે પણ કોઈ અમારી પાસે આવીને કંઈક કહે, મારા પિતા કહેતા, “તને યાદ છે, હની ગર્લ, તેણે શું કહ્યું?” હું મારા પપ્પાને તે વ્યક્તિએ શું કહ્યું હતું તે જણાવતી, ત્યાં સુધી કે હું એટલી સારી બની ગઈ કે લાંબી વાતચીત પણ શબ્દશઃ પુનરાવર્તિત કરી શકું.

અને તે આ સતત કરતા.

અંતે, એક દિવસ ત્યાં એક વૃદ્ધ ભાઈ આવ્યા, રિચાર્ડ થોમ્પસન. તેમનું નામ આજે પણ મને યાદ છે, તેઓ અમારા ઘરની સામે રહેતા. જ્યારે પણ મારા પિતા લોન કાપવાનું શરૂ કરતા, ત્યારે શ્રી થોમ્પસન આવી જ જતા. એટલે હું પણ ત્યાં ઊભી રહેતી.

પપ્પા કહેતા, “તારે આ માણસને સાંભળવો જોઈએ, હની ગર્લ. તેઓ બહુ રસપ્રદ છે.” એટલે હું તેમને સાંભળતી, અને પછી મારા પિતા પૂછતા, “તે શું સાંભળ્યું?” અને હું તેમને કહું.

થોડીવાર પછી, હું તેમના બધાં જ પ્રસંગો, જે તેઓ મારા પપ્પાને વારંવાર કહેતા, શબ્દશઃ પુનરાવર્તિત કરી શકતી હતી. મને બધું જ કાંઠે ચઢી ગયું હતું.

અને મારા પિતા કહેતા, “તું આમાં ખૂબ સારી બની ગઈ છો. પણ શું તે તેમનું હૃદય સાંભળ્યું?” હું વિચારતી, શું? પછી હું દિવસો સુધી લોકોના છાતી પાસે કાન રાખીને તેમનું હૃદય સાંભળવાનો પ્રયત્ન કરતી.

અંતે મારા પપ્પાએ મને શીખવવા માટે બીજો ઉપાય કર્યો. તેમણે મારી મમ્મીને અખબારમાંથી એક લેખ વાંચવા કહ્યું. પછી કહ્યું, “જો તારે આ લેખને સમજવો હોય, તો લાઇનોની વચ્ચે વાંચવું પડે.”

હું વિચારતી, “અરે, લાઇનોની વચ્ચે વાંચવું. શબ્દોની વચ્ચે સાંભળવું.”

ત્યારબાદ જ્યારે મેં શ્રી થોમ્પસનની વાર્તાઓ સાંભળી, ત્યારે મેં શબ્દોની વચ્ચે સાંભળવાનો પ્રયત્ન કર્યો. મારા પપ્પાએ પૂછ્યું, “હું જાણું છું કે તને તેમની વાર્તા યાદ છે, પણ શું તે તેમનું હૃદય સાંભળ્યું?” અને મેં કહ્યું, “હા. તેઓ બહુ એકલતા અનુભવે છે અને વારંવાર પોતાની યાદો શેર કરે છે, કારણ કે તેઓ ઈચ્છે છે કે તમે તેમની યાદોમાં તેમની સાથોસાથ રહો.”

આ શબ્દો મારી અંદરથી સહજતાથી બહાર આવ્યા. અન્ય શબ્દોમાં, મારું હૃદય તેમના હૃદયનો પ્રતિધ્વનિ બન્યું.

જ્યારે તમે આ સ્તરે સાંભળી શકો, ત્યારે તમે ફક્ત લોકોને જ નહીં, પરંતુ આખા બ્રહ્માંડને પણ સાંભળી શકો છો.


Add Your Reflection

112 Past Reflections