ફૂલ અને પથ્થર
ગુરપ્રીત દ્વારા
ગુરુ નાનક, સીખોના પ્રથમ ગુરુ, તેમના સમયમાં એક ક્રાંતિકારી સંદેશ લાવ્યા. તેમણે ખોખલા ક્રિયાકાંડો પર પ્રશ્નો ઉઠાવ્યા, સત્તાધીશોનું પાખંડ ઉઘાડું પાડ્યું અને સામાન્ય લોકોને ભૌતિક ઇચ્છાઓની અવિરત દોડથી ઉપર ઊઠવા માટે પ્રેર્યા.
તેમણે જંગલો, નદીઓ અને રણોમાં સફર કરી, કઠોર હવામાન અને વિરોધનો સામનો કર્યો. તેમની સાથે ભાઈ મર્દાના હંમેશા રહ્યા, પોતાના રેબેક (તાર વાળું વાદ્ય) સાથે. ગુરુ નાનક પોતાના ઉપદેશોને દિવ્ય પ્રેરણાથી જન્મેલા પદ્યોમાં વ્યક્ત કરતા. ભાઈ મર્દાનાની સંગીત સાથે આ પદ્ય ગીતરૂપે વહેતા.
એક દિવસ, ભાઈ મર્દાના અસામાન્ય રીતે શાંત બેઠા હતા, પોતાના હાથમાં એક પથ્થર ફેરવી રહ્યા હતા. તેમની વ્યાકુળતા જોઈ, ગુરુ નાનકે નરમાઈથી પૂછ્યું:
“આજે તમે એટલા ખોવાયેલા કેમ દેખાઓ છો?”
ભાઈ મર્દાના થોડું અચકાયા, પછી બોલ્યા: “ક્યારેક મારા મનમાં તોફાન ઊઠે છે, અને હું તેને સમજી નથી શકતો. આપણે કેટલીય જગ્યાએ જઈએ છીએ. ક્યાંક અજાણ્યા લોકો તમારુ હાર્દિક સ્વાગત કરે છે, તમને છોડવા તૈયાર નથી થતા. પરંતુ કોઈ જગ્યાએ લોકો તમને શાપ આપે છે, તમારી મજાક ઉડાવે છે — અરે અમુક અંશે દુશ્મન પણ બની જાય છે. એવું કેમ થાય છે? તેઓ તમને એકસમાન રીતે કેમ નથી જોતા?”
ગુરુ નાનકે સાંભળ્યું, અને પછી કહ્યું: “હું તારો પ્રશ્નનો જવાબ આપીશ. પરંતુ પહેલાં તું આ પથ્થર બજારમાં લઈ જા અને જોઈ આવ કે તેના માટે તને શું મળે છે.”
ગૂંચવાયેલા, ભાઈ મર્દાના આદેશનું પાલન કર્યુ. બજારમાં મિઠાઈ, શાકભાજી, કપડાં અને અન્ય દુકાનો હતી. તેઓ પહેલા મિઠાઈવાળા પાસે ગયા. તે પથ્થર જોઈને હસ્યો અને આગળ જવા કહ્યું. અનાજની દુકાનમાં વ્યસ્ત વેપારીએ તેમને દૂર હાંકી દીધા, કહ્યું કે તેને ગ્રાહકોને સંભાળવા છે. શાકભાજીના સ્ટોલ પર વેપારીને મજા આવી, પણ તેમને ટાળવા માટે એક ડુંગળી આપી.
અંતે તેઓ સાલસ રાય નામના ઝવેરીની દુકાનમાં ગયા. જેવો સાલસ રાયે પથ્થર જોયો, તેમની આંખો ચમકી ઉઠી.
“આ કોઈ સામાન્ય પથ્થર નથી — આ તો મણિ છે! હું તેની સંપૂર્ણ કિંમત ચૂકવી શકતો નથી, પરંતુ જો મને નજીકથી જોવા દો તો હું તમને સો રૂપિયા આપી શકું.”
ભાઈ મર્દાના પૈસા લઈને પાછા આવ્યા, આશ્ચર્યમાં. “આનો અર્થ શું?” તેમણે પૂછ્યું.
ગુરુ નાનકે સમજાવ્યું: “સત્ય આ રત્ન જેવું છે. ઘણાં લોકો તેને નિરર્થક ગણશે. પરંતુ જે ખરેખર તેને ઓળખે છે — તેઓ જાણે છે કે તે અમૂલ્ય છે.”
આપણે ઘણીવાર સાચા માર્ગે ચાલવાના ફાયદાઓ વિશે સાંભળીએ છીએ. પરંતુ તેના સાથે મળતા પથ્થરો (ઉપહાસ કે વિરોધ) માટે આપણે ઓછા તૈયાર થઈએ છીએ. સત્યને સર્વત્ર કદર મળતી નથી. તમારે ઉપહાસ, અસ્વીકાર કે શત્રુતા નો સામનો પણ કરવો પડી શકે છે.
પરંતુ જો તમને તમારા હાથના રત્નની કિંમત ખબર છે, તો તમે તેને છોડશો નહીં. માર્ગમાં ફૂલો (સન્માન) અને પથ્થરો (વિરોધ) — બંને આવવા સ્વાભાવિક છે.
મનન માટે બીજ પ્રશ્નો:
1. સત્ય, એક દુર્લભ રત્ન જેમ, ઘણા લોકો ને નિરર્થક જણાય, પણ જે તેને ઓળખે છે તેમના માટે તે અમૂલ્ય છે — આ વિચાર વિશે તમારું શું માનવું છે?
2. શું તમે કોઈ વ્યક્તિગત અનુભવ શેર કરી શકો છો, જ્યાં તમે મૂલ્યવાન અને સાચી વાત માટે ઊભા રહ્યા અને તમારે ઉપહાસ કે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હોય?
3. જ્યારે તમારે ટીકા કે શત્રુતા સહન કરવી પડે ત્યારે સત્યની શોધમાં અડગ રહેવા અને તમારી પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે તમને શું મદદ કરે છે?