સ્વેછાપુર્વક આપવામાં આવેલી ભેટ.
અજ્ઞાત લેખક દ્વારા
એ સવારે કોમળ તડકો હતો અને ભીની માટીની સુગંધ આવતી હતી. આચાર્ય વિનોબા ભાવે ધૂળવાળા ગામડાના રસ્તે પગપાળા ચાલતા હતા ત્યારે પંખીઓ ખેતરો માં નીચા ઉડી રહ્યાં હતાં.
તેઓ ધીમે ધીમે ચાલતા હતા , તેઓ થાક્યા નોહતા, પણ પોતાના પગ નીચેની ધરતીને અનુભવવાનું તેઓને પસંદ હોવાના કારણે. દરેક પાંદડું, દરેક પથ્થર, હવાની દરેક લહરખી, તેમના માટે મહત્વપૂર્ણ હતી.
થોડે દૂરથી બાળકો ના એક ટોળાએ તેમને જોયા અને દોડીને આવ્યા. એક છોકરાના હાથમાં એક પાકી કેરી હતી, તેની છાલ સોનેરી સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી.
"વિનોબા જી!" તેણે હસતાં હસતાં કહ્યું "હું આ તમારા માટે લાવ્યો છું! એ અમારા આંબાની છે!"
વિનોબાજીએ દયાળુ નજરે છોકરા તરફ જોયું અને પછી ફળ તરફ અને બોલ્યા. "તે મીઠી લાગે છે." પછી, હળવેથી, તેમણે પૂછ્યું, "મને કહો, શું આ કેરી તેની જાતે જ ઝાડ પરથી નીચે પડી ગઈ હતી?"
છોકરો અટક્યો અને માથું ખંજવાળતાં કહ્યું . "ના….મેં ઝાડ ની ડાળી થોડી હલાવી હતી."
વિનોબાજી ના ચહેરા પર કોઈ ઠપકો નહોતો. ફક્ત એક શાંત સ્મિત હતું.
"ઓહ," તેઓ બોલ્યા અને કેરી પાછી આપતા કહ્યું "તો હું આ સ્વીકારી શકું નહીં."
છોકરો મૂંઝવણમાં મુકાઈ ગયો. "પણ... આ તો ફક્ત એક કેરી છે! બધા જ લોકો તેને મેળવવા માટે ઝાડની ડાળીઓ હલાવે છે."
વિનોબાજી તેની બાજુમાં બેસી ગયા અને કહ્યું "હા, તે એક નાની વાત છે. પણ જ્યારે આપણે નમ્રતાથી જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ ત્યારે નાની બાબતો પણ મહત્વપૂર્ણ હોય છે."
તેમણે જમીન પરથી એક સૂકું પાંદડું ઉપાડ્યું અને તેને બતાવીને કહ્યું, "આ પાંદડું જુઓ છો? તે પોતાની જાતે જે નીચે પડી ગયું છે. પ્રકૃતિએ તે મને આપ્યું છે. પણ જ્યારે આપણે ઝાડ હલાવીએ છીએ, ત્યારે આપણે તેને તેના તૈયાર થયા પહેલાં આપવા માટે કહીએ છીએ. આ પણ એક પ્રકારની જબરદસ્તી છે."
બાળકો આશ્ચર્યભરી આંખે સાંભળી રહ્યાં હતાં.
વિનોબાજી એ કહ્યું "હું ફક્ત એ જ ખાવાનો પ્રયાસ કરું છું જે પ્રકૃતિ સ્વેચ્છાથી આપે છે. જ્યારે ફળ પોતાની જાતે જ પડે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે સમય આવી ગયો છે. નહીં તો ત્યાં સુધી, મારે રાહ જોવી જોઈએ."
છોકરાએ તેના હાથમાં રહેલી કેરી તરફ જોયું. તે હજુ પણ મીઠી સુગંધ આપતી હતી. પણ હવે તે અલગ લાગતી હતી.
વિનોબાએ હળવેથી છોકરાના ખભા પર હાથ મૂક્યો. "ચિંતા કરશો નહીં. હવે પછી કોઈ વાર જો કેરી પોતાની જાતે પડેલી હશે, તો હું એને ખૂબ જ આનંદથી ખાઈશ." અને એમ કહીને, તેઓ આગળ ચાલ્યા ગયા — ખુલ્લા પગે , મૌનમાં , સવારના પાવનની લહેરકી ની જેમ હળવાશભર્યા.
નાનામાં નાની ક્રિયાઓ — જેમ કે ફળ લેવું — તે પણ કાળજીભર્યું, આદરભર્યું અને અહિંસાપૂર્વક થઈ શકે છે. વિનોબા ભાવે આપણને એ રીતે જીવન જીવવાનું શીખવે છે કે આપણે ક્યારેય પણ સ્વેચ્છાથી આપવામાં આવેલ કરતા વધારે ના લેવું જોઈએ, અને હંમેશા પ્રકૃતિના શાંત સંકેતોને સાંભળીએ.
ચિંતન માટેના બીજ પ્રશ્નો:
આ વિચાર સાથે તમે કેટલા સંમત છો કે નમ્રતાભર્યું જીવન જીવવા માટે પ્રકૃતિ સ્વેચ્છાએ ભેટ આપે ત્યાં સુધી રાહ જોવી જોઈએ? જેમ વિનોબા ભાવે એ નીચે પડેલી કેરી દ્વારા સમજાવ્યું.
શું તમે એક વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો જ્યારે તમે ત્વરિત આનંદ ને બદલે યોગ્ય સમય તેની જાતે જ આવે ત્યાં સુધી ધીરજ રાખવાનું પસંદ કર્યું હતું?
રોજિંદા જીવનમાં પ્રકૃતિના શાંત સંકેતોને સાંભળવાની ટેવ વિકસાવામાં અને તમારી ક્રિયાઓ અહિંસક અને આદરભરી રહે એ માટે તમને શું મદદ કરે છે?