Imagination Is Not Day-Dreaming


Image of the Week
કલ્પના એ દિવાસ્વપ્ન નથી
ફીબી ટિકેલ દ્વારા

કલ્પના એ એક અદ્ભુત શક્તિ છે. સમાજમાં થયેલ દરેક પરિવર્તન કોઈના મનની કલ્પનામાંથી — અથવા નાના સમૂહની સામૂહિક કલ્પનામાંથી — જન્મી હોય છે, જેમકે સ્ત્રીઓને મળેલ મતાધિકાર, નાગરિક હક્કની ચળવળ, અથવા આરોગ્ય સેવાઓમાં સુધારો. કેટલાક કહે છે કે આ એ ગુણ છે જે આપણને સૌથી વિશિષ્ટ રીતે માનવી બનાવે છે — ખાસ કરીને નવીનતા માટે સામૂહિક રીતે કલ્પના કરવાની આપણી ક્ષમતા.

તેમ છતાં કલ્પનાને ખરું મહત્ત્વ આપવામાં આવતું નથી — પણ ખરેખર કલ્પના તો ક્રાંતિકારી નવીનતાનું મુખ્ય તત્વ છે જે નવી દુનિયાનું નિર્માણ કરે છે. ઘણી વાર તેને દિવાસ્વપ્ન, કાલ્પનિકતા અને કલ્પનાચિત્ર સાથે જોડીને નકામી ગણવામાં આવે છે. જો કોઈ નોકરીનો ઉમેદવાર તેના અરજીપત્ર (CV) પર "કલ્પનાશીલતા" લખે, તો ચોક્કસ લોકોના ભવાં ચડી જશે. શાળાના દિવસોથી જ આપણને દિવાસ્વપ્નમાં ગુમ થવા બદલ ઠપકો મળે છે, જે શરૂઆતથી જ આને નકામી કે ભોગ-વિલાસી ગણવાનો સંદેશ આપે છે. જો આવુ જ આખી જિંદગી ચાલુ રહે, તથા આપણી સંસ્થાકીય અને સામાજિક વ્યવસ્થાઓ સતત કલ્પનાને દબાવતી રહે અને તેને ખરૂ મહત્વ ન આપે, તો શું થાય?

આર્થિક મુશ્કેલીના સમયમાં કલ્પનાને પ્રાથમિકતાઓની યાદીમાં સૌથી નીચે મૂકવી સ્વાભાવિક છે. જ્યારે અછત અને અતિ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડે છે, ત્યારે લોકો કાર્યક્ષમતા, વ્યવહારુ પરિણામો અને કામ પૂરું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કલ્પનાને વિચલિત કરનારી, અસ્પષ્ટ અને કદાચ બે ઘડી ની મજા માટે યોગ્ય ગણવામાં આવે છે, પરંતુ નવી નીતિઓ અને વ્યવસ્થાઓના નિર્માણ માટે તેને મૂળભૂત નથી માનવામાં આવતી.

વિચારો કે જો આપણે ખોટા નિર્ણયો લીધા હોય તો ! આ અઠવાડિયે યુ.કે. માં તાપમાન રેકોર્ડ સ્તરે નોંધાયુ છે, તેનાથી લોકોમાં એવી લાગણી વધી રહી છે કે આપણે રસ્તો ભૂલી ગયા છીએ. બાબતો ખોટી દિશામાં ગઈ છે — અને આપણે તેને સુધારવાની જરૂર છે. પરંતુ જ્યારે નીતિઓ, જવાબદારી, દૂરંદેશીતા અને કાર્યવાહી ગૂંચવાઈને અટકી ગઈ હોય ત્યારે આપણે તે કેવી રીતે કરીશું? આવી મૂળિયાં નાખી ગયેલી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ — જો આપણે એ જ જૂની પધ્ધતિઓ વાપરીશું તો આપણને એ જ જૂના પરિણામો જ મળશે, જે હંમેશા મળતા આવ્યા છે.

આપણી સામેના પડકારો અત્યંત જટિલ છે અને કોઈ એક વ્યક્તિ કે એક ઉકેલથી ઉકેલી શકાય તેવા હોતા નથી. જેમ મધમાખી મધપૂડો બનાવવા માટે ઘણા સ્થળોની શોધ કરે છે અને યોગ્ય જગ્યા મળે ત્યાં સુધી ફરતી રહે છે, તેવી રીતે જ આપણા મન ને પણ આગળનો માર્ગ પસંદ કરતા પહેલા વિવિધ શક્યતાઓની શોધમાં ભટકવાની અને શક્યતાઓને સમજવાની જરૂર હોય છે. આપણી કલ્પનાશક્તિ આ અલગ અલગ શક્યતાઓની માનસિક તસવીરો દોરવામાં અને તેમને કાલ્પનિક રીતે (સિમ્યુલેશનથી) પરખવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

મનન માટેના બીજ પ્રશ્નો:
● આ વિચાર સાથે તમે કેટલા સહમત છો કે કલ્પનાને ઘણી વાર દિવાસ્વપ્ન કે કાલ્પનિકતા તરીકે નકારી કાઢવામાં આવે છે, પરંતુ તે ખરેખર ક્રાંતિકારી નવીનતાનું "મૂળભૂત તત્વ" છે જે નવી દુનિયા ઘડે છે?
● શું તમે કોઈ એવો વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યારે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં કલ્પનાનો ઉપયોગ કરી અન-અપેક્ષિત કે નવીન ઉકેલ પર પહોંચ્યા હોય ?
● મધમાખી જેમ મધપૂડા માટે યોગ્ય જગ્યા શોધે તેમ, જટિલ સમસ્યાઓના નવીન ઉકેલો માટે, તમારા મનને ભટકવા દેવાની અને વિવિધ શક્યતાઓ શોધવાની ટેવ વિકસાવવામાં તમને શું મદદરૂપ થાય છે?
 

Phoebe Tickell is a scientist, complexity thinker, and social entrepreneur. Excerpt above from here.


Add Your Reflection

13 Past Reflections