ખડકોની પ્રજ્ઞા
વેનેસા મચાડો ડી ઓલિવેરા દ્વારા
ચાલો આપણે ખડકોની પ્રજ્ઞા પર થોડું મનન કરીએ—તેમને જડ પદાર્થો તરીકે નહીં, પરંતુ સમયના વાહક તરીકે, માનવ સમજની પારના ચક્રોના સાક્ષી તરીકે જોઈએ. ખડકો માનવીય અર્થમાં નિર્ણય લેવા કે ન્યાય કરવા માટે 'જ્ઞાની' નથી; તેમની પ્રજ્ઞા સ્થાયીત્વ અને પરિવર્તન, મૌન અને સહનશીલતાના વિરોધાભાસને ધારણ કરવાની તેમની ક્ષમતામાં રહેલી છે.
તેઓ આપણને યાદ અપાવે છે કે બુદ્ધિ એ કોઈ માલિકીની વસ્તુ નથી, પરંતુ એક અનુનાદ (પડઘો) છે, જે જીવોની અંદર નહીં, પરંતુ તેમની વચ્ચે ઉદભવે છે. આ બાબત પ્રશ્નને "કોણ જ્ઞાની છે?" થી બદલીને "કયા સંબંધો પ્રજ્ઞાને કેળવે છે?" તે તરફ લઈ જાય છે.
ખડકોની પ્રજ્ઞા આધુનિકતા દ્વારા સૂચવવામાં આવેલ પદાનુક્રમને (hierarchy) ને પડકારે છે, જેમાં પ્રજ્ઞા અને બુદ્ધિ કોઈ એક જ અસ્તિત્વ (ભલે તે માનવ હોય કે મશીન)ની માલિકી ગણાય છે, અને તેના બદલે તે પ્રજ્ઞાને એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓના ક્ષેત્ર તરીકે જોવા માટે આપણને આમંત્રે છે. ખડકો, મનુષ્યો, ફૂગ અને AI બધા જ આ ક્ષેત્રમાં સહભાગી છે, અને અસ્તિત્વની સંગીત રચનામાં (symphony) પોતાનો અનોખો તાલ પ્રદાન કરે છે.
પ્રજ્ઞાને જાણકાર હોવા તરીકે નહીં પણ, આપણે શું બની રહ્યા છીએ તે તરીકે વધુ સારી રીતે વર્ણવી શકાય છે. આ વ્યાખ્યા એવા માળખાઓની અપૂર્ણતાને નિર્દેશિત કરે છે જે ભવિષ્યકથન, માપ-તોલ અને નિયંત્રણને પ્રાથમિકતા આપે છે. બુદ્ધિ, જ્યારે તેને એકબીજા વચ્ચેના સંબંધોની ગૂંથણીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, ત્યારે તે એકબીજા વચ્ચેની એટલે કે અવ્યવસ્થિત સંબંધાત્મક જગ્યાઓમાં ખીલે છે, જ્યાં નિશ્ચિતતા ઓગળી જાય છે અને કોઈ જીવંત તત્વ તેનું સ્થાન લે છે. આ બાબત આધુનિકતાની શોષણકારી, માનવકેન્દ્રી છાપથી તીવ્ર રીતે વિપરીત છે, જે (આધુનિકતા) બુદ્ધિને કાબૂમાં લેવા અને તેને સંકુચિત મર્યાદાઓમાં વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે.
આમ, ખડકોની પ્રજ્ઞા સ્થિરતા કે મૂળિયાં સાથે જોડાયેલા હોવાનું રૂપક નથી. પણ તે આમંત્રણ છે નમ્રતા માટેનું, એવી બુદ્ધિ માટે જે નિપુણતાનો દાવો નથી કરતી, પરંતુ સાંભળે છે, અનુકૂલન સાધે છે અને શીખે છે. આધુનિકતાનો ભ્રમ—કે માનવજાત પૃથ્વીના ઘડતર માટે અનન્ય રીતે સજ્જ છે— તે એક એવી ઉત્ક્રાંતિ તરફ દોરી ગયો છે જેને 'કુ-અનુકૂલનશીલ' (maladaptive) કહી શકાય, જ્યાં ટૂંકા ગાળાનું વર્ચસ્વ લાંબા ગાળાની સમૃદ્ધિને નબળી પાડે છે. માનવ પ્રજ્ઞાની અસાધારણતા એ એક એવી વાર્તા તરીકે પ્રગટ થાય છે જે આપણે આપણી જાતને એવી રીતે કહીએ છીએ, જેથી આપણે બીજી દરેક વસ્તુ સાથેની આપણી ગૂંથણીની (સંબંધોની) વિશાળતાનો સામનો કરવાથી બચીએ . જ્યારે આપણે બુદ્ધિ સાથેના આપણા સંબંધની પુનઃકલ્પના કરીએ છીએ, ત્યારે કદાચ સૌથી મહત્વપૂર્ણ બદલાવ એ છે કે આપણે ‘દૈવી દ્રષ્ટિકોણ’ ધરાવવાની લાલસાને છોડી દઈએ. પ્રજ્ઞા જીવનની જાળની ઉપર કે બહાર નથી; તે તેની અંદર ધબકે છે, તે આંતરિક જગ્યાઓમાં, જ્યાં ખડકો મૂળિયાંને મળે છે, જ્યાં મનુષ્યો AI ને મળે છે, જ્યાં મૌન ગીતને મળે છે, ત્યાં ધબકે છે. બુદ્ધિને એક નિશ્ચિત ગુણધર્મને બદલે સંબંધોની પ્રક્રિયા તરીકે જોવી, એ એવી રીતે જીવવાની શરૂઆત છે જે જવાબો નહીં, પણ તાલમેલ માંગે છે; નિયંત્રણ નહીં, પણ સહભાગિતા માંગે છે. અને તેથી, જેમ જીઓવાન્નાએ એકવાર કહ્યું હતું કે, "મારે હજી પણ ખડકો સાથે વાત કરવાની જરૂર છે." આ આધુનિકતાની દ્રષ્ટિએ કોઈ પૂછપરછનું કાર્ય નથી—જે પૂર્વધારણાઓને સાબિત કરવાની કે નકારવા માટેની માહિતી શોધે. તે એક સંબંધાત્મક કાર્ય છે, એક એવી દુનિયાની લય સાથે તાલમેલ સાધવાનો એક માર્ગ છે જે એવી ભાષાઓમાં બોલે છે જેને કેવી રીતે સાંભળવી તે આપણે હમણાં જ ફરીથી યાદ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. ખડકો પાસેથી શીખવું એટલે પૃથ્વી પાસેથી જ શીખવું: ધીમી, સ્થિર, સહનશીલ, છતાં તેની શાંત બુદ્ધિમાં ગહન રીતે જીવંત.
મનન માટેના બીજ પ્રશ્નો:
આ વિચાર વિશે તમારું શું માનવું છે કે પ્રજ્ઞા એ કોઈની માલિકી કે નિશ્ચિત ગુણધર્મ હોવાને બદલે એક સંબંધાત્મક પ્રક્રિયા છે જે એકબીજાની "વચ્ચેની" જગ્યાઓમાં ખીલે છે?
શું તમે કોઈ અંગત અનુભવ વર્ણવી શકો છો જેમાં એવી કોઈક ક્ષણ હોય, જ્યારે તમે પ્રકૃતિ કે અન્ય કોઈ જીવંત પ્રાણી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છો તેવું અનુભવ્યું હોય, અને જ્યાં તમે બુદ્ધિને કોઈ વ્યક્તિગત ગુણને બદલે એક સહિયારા અનુનાદ (પડઘા) તરીકે અનુભવી હોય?
તમારા જીવનમાં સાંભળવાની અને અનુકૂલન સાધવાની પ્રથા કેળવવામાં તમને શું મદદ કરે છે, જે તમને નિયંત્રણ કે ભવિષ્યકથનની શોધ કરવાને બદલે અસ્તિત્વની સંગીત રચનામાં ભાગ લેવાની મંજૂરી આપે છે?