આ દર્દ કોને થઈ રહ્યું છે?
મિંગ્યુર રિનપોચે દ્વારા
દર્દ વિશેની સારી વાત એ છે કે તે આપણું ધ્યાન પોતાના તરફ તીવ્રતાથી ખેંચે છે. જ્યારે તમે દર્દ પર ધ્યાન આપો છો, ત્યારે તમે જાણી લો છો કે તમારું મન આ ક્ષણે ક્યાં છે. આ જ સાચો અભ્યાસ છે — મનની જાગૃતિમાં ટકી રહેવું. મોટાભાગે, જ્યારે દર્દ ધ્યાન ખેંચે છે, ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા હોય છે તેને દૂર કરવા માટે.
આપણે દર્દને મનની બહારની કોઈ વસ્તુ તરીકે જોવા લાગીએ છીએ, એક દુશ્મન ની જેમ, જેને બહાર ફેંકી દેવો જોઈએ.
પરંતુ દર્દ વિશે એક વિરોધાભાસી, પરંતુ રસપ્રદ વાત એ છે કે જ્યારે આપણે તેનો વિરોધ કરીએ છીએ, ત્યારે દર્દ ઓછું થતું નથી, પરંતુ આપણે તેમાં પીડા ઉમેરીએ છીએ. દર્દની સંવેદના શરીરમાં ઉત્પન થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલ નકારાત્મક પ્રતિક્રિયા એ 'હું'ની ભાવનાથી આવે છે, જે પોતાને સ્થાયી માને છે અને દર્દને પોતાનો શત્રુ બનાવી લે છે. અહીંથી જ પીડાની વેદનાનો જન્મ થાય છે.
જ્યારે આપણે દર્દને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે પોતાની જ વિરુદ્ધ ઊભા રહીએ છીએ — અને આપણું મન એક વ્યક્તિગત યુદ્ધભૂમિ બની જાય છે, જે સ્વસ્થ થવા માટે સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે.
ઘણા લોકો માટે, બીમારી સાથે 'સ્વ-દયા' એવી ચોંટી જાય છે જેવી કે ગુંદર. અને અહંકારનો અવાજ પૂછે છે: "હું જ કેમ ?"પરંતુ આ અવાજ શરીરના અંગમાં નહીં, પરંતુ મનમાં છે જે દર્દ સાથે પોતાની ઓળખ જોડી લે છે.
મેં મારા પેટના દુખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. પછી મનને ત્યાં જ ટકાવી રાખ્યું — ન સ્વીકાર્યુ, ન નકાર્યુ. ફક્ત તે સંવેદના સાથે રહ્યો. તે અનુભવને અનુભવ્યો, કોઈ વાર્તામાં ન ફસાયો. થોડા સમય પછી, મેં તપાસ શરૂ કરી:
આ અનુભવની પ્રકૃતિ શું છે? આ ક્યાં સ્થિત છે?
હું મારા મનને પેટના ઉપલા સ્તર પરથી, અંદર દર્દ તરફ લઈ ગયો. પછી મેં પ્રશ્ન પૂછ્યો —"આ દર્દ કોને થઈ રહ્યું છે?"
શું આ મારી એક શ્રેષ્ઠ ભૂમિકાઓમાંની એક છે?
તે ફક્ત ધારણાઓ છે.
દર્દ પણ એક ધારણા છે.
પેટનો દુખાવો પણ એક ધારણા છે.
ધારણાઓથી પાર જઈને જાગૃતિમાં રહો.
સ્વ થી પાર ના અસ્તિત્વમાં, ધારણાઓ અને કોઈ ધારણા નહીં, દર્દ અને કોઈ દર્દ નહીં, બંનેને સમાન રીતે સમાવી લો.
દર્દ ફક્ત એક વાદળ સમાન છે, જે આપણા મન ની જાગૃતિમાંથી પસાર થાય છે.
દર્દ, શૂળ એ જાગૃતિના જ તીવ્ર રૂપો છે.
જાગૃતિમાં ટકી રહો અને તમારા દર્દથી મોટા બની જાઓ.
જાગૃતિમાં, આકાશની જેમ, ધારણાઓને પકડી રાખવા માટે કોઈ કારણ નથી.
તેને આવવા દો, તેને જવા દો. આ દર્દને કોણ પકડી રાખે છે?
જો તમે દર્દ સાથે એકરૂપ થઈ જાઓ, તો કોઈ વેદના સહન કરનાર રહેતો નથી. ત્યારે ફક્ત એક ગાઢ, કેન્દ્રિત સંવેદના રહે છે, જેને આપણે દર્દનું નામ આપી દઈએ છીએ.
દર્દને પકડી રાખનાર કોઈ નથી.
જ્યારે દર્દને પકડી રાખનાર કોઈ નથી રેહતું, ત્યારે શું થાય છે?
ફક્ત દર્દ. વાસ્તવમાં, તે પણ નહીં, કારણ કે દર્દ તો ફક્ત એક ઓળખ છે.
સંવેદના ને અનુભવો. ધારણાઓથી પરે, પરંતુ વર્તમાનમાં રહીને, આથી વધુ કશું નહીં.
અનુભવ કરો. તેને રહેવા દો.
અને પછી હું મારા મનને ખુલ્લી જાગૃતિમાં સ્થિર કરવા તરફ લઈ ગયો.
મનન માટે બીજ પ્રશ્ન:
- તમે આ ધારણા સાથે કેવી રીતે સંબંધિત છો કે દર્દ એક શત્રુ ત્યારે બની જાય છે જ્યારે આપણે પોતાને તેના વિરુદ્ધ ઊભા કરી લઈએ છીએ, અને તેનાથી આપણી આંતરિક દુનિયા એક વ્યક્તિગત યુદ્ધભૂમિ બની જાય છે?
- શું તમે એવા સમયની કોઈ વ્યક્તિગત ઘટના વર્ણવી શકો છો, જ્યારે તમે દર્દ સાથેના તમારા સંબંધમાં કોઈ બદલાવ અનુભવ્યો હોય — પછી ભલે તે દર્દને સ્વીકારવાથી, કોઈ શોધથી, અથવા ફક્ત તેને રહેવા દેવાથી થયો હોય?
- તમને જાગૃતિમાં રહેવામાં શું મદદરૂપ થાય છે? એવી જાગૃતિ કે જે આકાશની જેમ ધારણાઓથી ઊંચી છે, અને જ્યાં બધા અનુભવો કોઈ રાગ-દ્વેષ વગર આવે છે અને જાય છે.