"અપૂર્ણતાને પારની પૂર્ણતા"
- મીરાબાઈ સ્ટાર દ્વારા
વિશ્વના વિવિધ ધર્મોની રહસ્યવાદી પરંપરાઓમાં એક ગહન પરંતુ વિરોધાભાસી વિચાર જોવા મળે છે: ઈશ્વરને જાણવાની સૌથી વિશ્વસનીય રીત ઈશ્વરને "ન જાણવી" તે છે. ખ્રિસ્તી રહસ્યવાદમાં આને *વિયા નેગટિવા* (નેગેટીવ માર્ગ ) કહેવાય છે — જેમાં આપણને દૈવી રહસ્યને વ્યાખ્યાયિત કરવા માટેના કોઈપણ શબ્દો કે ખ્યાલોને સક્રિય રીતે અસ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઈશ્વરની અપાર લીલા સમજવાનો માર્ગ એ છે કે - આપણે સ્વીકારીએ કે આપણે તેમને સંપૂર્ણપણે સમજી શકતા નથી.
પરંતુ હું તમને બીજી દિશામાં વિચારવા માટે આમંત્રણ આપું છું. "ન જાણવું" જાગૃતિ ના માર્ગમાં જરૂરી છે, પણ ક્યારેક તે એક અધૂરો અભ્યાસ બની શકે છે, જે આપણને આપણા જીવનની પવિત્રતાને સંપૂર્ણપણે જીવવા ને બદલે વાસ્તવિકતા થી દૂર લઈ જાય છે (જેને કેટલીકવાર "અજ્ઞાત અતીંદ્રિય અનુભવ" કહેવાય છે)
ચાલો આ પ્રયાસ કરીએ: આરામદાયક સ્થિતિમાં સીધા બેસો, આંખો બંધ કરો, બે-ત્રણ ઊંડા અને ધીમા શ્વાસ લો, અને પોતાની જાતને પૂછો "હું કોણ છું?" આ પ્રશ્નનો જવાબ નકારાત્મક રીતે ન આપો, પરંતુ જે પણ જવાબ આવે, તેને "હા" કહો.
હું માતા છું, પુત્રી છું, બહેન છું, પ્રેમિકા છું — હા
હું સુથાર છું, માળી છું, સામાજિક કાર્યકર્તા છું — હા
હું ભાવુક છું, ક્યારેક નાટક કરું છું, મુંઝાયેલ કલાકાર પણ છું — હા.
હું તે પણ છું જેની પાસે લોકો ત્યારે વાત કરવા આવે છે જ્યારે તેમનું હૃદય ભાંગ્યું હોય, કારણ કે હું પ્રેમથી સાંભળું છું — હા
હું આ વિશાળ બ્રહ્માંડનો ભાગ છું,ન વધારે મહત્વપૂર્ણ, ન ઓછો, એક વૃક્ષ જેટલો જ — હા
હવે થોડું સર્જનાત્મક બનો: હું પાણી પર પડતો સૂર્યપ્રકાશ છું, પવનનો એ ઝપાટો જે વાળને સ્પર્શી જાય, અડધી રાતની શાંતિ છું, એક સંગીત રચના છું — હા.
તમે આ બધા છો અને તે બધાથી પર છો. તમે વિશાળ પણ છો અને વિશિષ્ટ પણ છો, નિરાકાર પણ છો અને સુંદર સ્વરૂપમાં ઘડાયેલા પણ છો. જ્યારે તમે તમારા માનવી અસ્તિત્વના દરેક નાના-મોટા, ગૂંચવાયેલા-ચમકતા પાસાઓને સ્વીકારો છો અને એ માની લો છો કે વિરોધાભાસી લાગતી વસ્તુઓ પણ એક સાથે સાચી હોઈ શકે છે ત્યારે તમે તમારી અંદરનો તે અવાજ શાંત કરો છો જે કેટલીક વસ્તુઓને પવિત્ર અને કેટલીકને અપવિત્ર કહે છે. તમારી જાતને સંપૂર્ણપણે સ્વીકારવાનો સંકલ્પ લો અને તમે જોશો કે તમારું જીવન કેવી રીતે ધીરે ધીરે મુઠ્ઠીની જેમ, એક ફૂલની જેમ, એક દરવાજાની જેમ ખુલ્લે છે.
મનન માટેના બીજ પ્રશ્નો:
1. શું તમે માનો છો કે તમારા અસ્તિત્વના વિશાળ અને વિશિષ્ટ બંને પાસાઓને સ્વીકારવું, તમને ઊંડી આધ્યાત્મિક સમજ તરફ દોરી જાઈ છે?
2. શું તમે કોઈ વ્યક્તિગત અનુભવ વર્ણવી શકો છો જ્યારે તમે તમારા વિરોધાભાસી પાસાઓને સ્વીકાર્યા હોય અને તે અનુભવે તમારો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હોય?
3. તમારી અંદરના દરેક ભાગ — ભલે તે ગૂંચવાયેલો હોય કે શાનદાર હોય — તેને સ્વીકારવાની આદત વિકસાવામાં તમને શું મદદ કરે છે?