"સરળતા માં સંતોષ"
સુસાન બાવર-વું દ્વારા
જાગૃતતા (માઇન્ડફુલનેસ) નું સંવર્ધન એ જાગૃત થવા અને સરળ આનંદોનો પૂરો અનુભવ કરવા માટે અનિવાર્ય છે. સરળ આનંદો એ નાનકડી બાબતો છે જે ખૂબ જ ઓછા ખર્ચે અને ક્યારેક તો કોઈ પણ ખર્ચ વગર મળે છે.
કેટલાંક ઉદાહરણો (મારા મનપસંદમાંથી) જેવા કે ધોઇને લગાવવામાં આવેલી ચોખ્ખી ચાદર પર સૂઈ જવું, બબલ બાથ લેવું, મનપસંદ સંગીત સાંભળવું, ચાંદ અને તારાં તરફ જોવું, ગરમ દિવસે વૃક્ષોની છાયાનો અનુભવ કરવો, ઠંડા દિવસે ગરમ તાપણા સામે ચા પીવી, કે પછી પાર્કમાં દોડતાં કૂતરાંઓ કે રમતાં બાળકોને જોવા.
સરળ આનંદોની સંભવિત યાદી અનંત છે અને તે વ્યક્તિગત રીતે બદલાય છે. જે કોઈને આનંદદાયક લાગે તે બીજાને ન પણ લાગે. તમારી મનસ્થિતિ, વાતાવરણ, તમે કોની સાથે છો, કે કોઈ ઘટના તેના આધારે પણ તમારો સરળ આનંદ રોજ- રોજ અથવા મહિને- મહિને બદલાઈ શકે છે.
આપણાં માટે આપણી આસપાસ રહેલા નાના- નાનાં ખજાનાંઓને જોવા અને તેનોઅનુભવ કરવો,તે સમજવું ખૂબ જ મહત્વનું છે. જો તમે આગામી અઠવાડિયાની ડૉક્ટરની મુલાકાતના વિચારોમાં સંપૂર્ણ રીતે ખોવાયેલા છો, તો કદાચ તમારી બારીની બહાર ઉડતાં દુર્લભ પ્રવાસી પક્ષીઓને જોવાની તક તમે ચૂકી જશો.
દરેક એવા સરળ આનંદ માટે, જેના તમે સાક્ષી બન્યા છો, થોડા સમય માટે થોભો, સ્મિત કરો અને એ ક્ષણ માટે કૃતજ્ઞતા અનુભવો – એ સહજ ક્ષણ માટે.
મારા પિતાના જીવનના છેલ્લાં બે વર્ષોમાં તેમણે ખોરાક ગળી શકવાની ક્ષમતા ગુમાવી દીધી. ખાવા-પીવાનાં જે સરળ આનંદો આપણા માટે સહજ છે, તે તેમના માટે શક્ય ના રહ્યા.
નિવૃત્તિ દરમિયાન મારા પિતાને રોજ બજાર જઈને તાજી શાકભાજી લાવવા અને પછી એમાં નવી- નવી રીતો થી સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો આનંદ મળતો, જે તેઓ વાઇનના ઘૂંટ સાથે માણતા.
બહાર જમવા જવું તથા તહેવારોમાં પરિવાર અને મિત્રોને માટે ભોજન બનાવવુ – જે તેમનો સૌથી પ્રિય શોખ હતો,પણ હવે તે શક્ય નહોતું.
તેમનાથી હવે એક ચમચી આઈસક્રીમ, એક ટુકડો બરફ કે પોતાની લાળ પણ ગળી શકાય તેમ નહોતું અને તેનાથી તેમને ફેફસાંમાં ઈન્ફેક્શન જેવી ગંભીર સમસ્યા ઊભી થઈ શકતી હતી.
તેમના માટે નવા આનંદ શોધવાનો અને તેને અનુભવ કરવાનો માર્ગ સરળ નહોતો, છતાં તે અશક્ય પણ નહોતો.
તેમની પીળા રંગની લેબ્રાડોર, ડેઝી તેમને ખુબજ આનંદ આપતી. જ્યારે બંને સોફા પર આરામ કરતા ત્યારે ડેઝી તેનુ માથુ તેમની છાતી પર મુકે ત્યારે તેઓ તેની મોટી ભૂરી આંખોમાં જોઈને પ્રેમાળ સ્મિત આપતા.
તેઓ ડેઝીના પેટ પર થપથપાવતા અને ડેઝી તેમના ચહેરાને ચાટીને પોતાનો પ્રેમ અને આભાર વ્યક્ત કરતી.
ડેઝી સાથે વિતાવેલો શાંત સમય મારા પિતાના માટે સૌથી વધુ મહત્વનો હતો. પોતાનો શ્રેષ્ઠ મિત્ર અને વફાદાર સાથી બનેલ રહેવા બદલ તેઓ દરરોજ ડેઝીના આભારી રહેતા.
તેમને એ માટે પણ કૃતજ્ઞતાનો અનુભવ હતો કે તેઓ હજી પણ ચાલી શકતા અને ઘરની બહાર થોડી વોક પર જઈ શકતા - એ તેમના મેરેથોન દોડના દિવસોથી ઘણું દૂર હતું.
તેઓ લોનની ખુરશી પર બેસતા, ડેઝી તેમના પગ પાસે બેસી રહેતી અને તેઓ ઇંગ્લૈંડનો તડકો માણતા. પક્ષીઓના ટહુકા, આકાશમાં તરતા વાદળો, પવનમાં લહેરાતા વૃક્ષો અને વર્મોન્ટના તાજા, ઠંડા પર્વતીય હવાના ઘૂંટ તેમને જીવંત બનાવી દેતાં. પ્રકૃતિ તેમને પોષણ આપતી હતી અને તેઓ અનુભવ કરતાં હતા - સાદગી સંતોષકારક છે.
મને એ મહિલા, એના નું પણ સ્મરણ થાય છે જેમને લાંબા સમય માટે હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી હતી. ઘણા અઠવાડિયાઓ પછી ઘરે પાછા આવીને તેમણે બધું નવા દ્રષ્ટિકોણથી જોયુ.
ઘર જાણીતું અને આરામદાયક હતું, છતાં હવે તેમણે એનો અનુભવ એવી રીતે કર્યો જે પહેલાં ક્યારેય થયો ન હતો. તેમણે કહ્યું: “એક દિવસે હું રેડિયેટર પાસે ઊભી હતી અને કંઈક વાંચવા માટે મારા હાથ ઉઠાવતી હતી, ત્યારે મને ખ્યાલ આવ્યો: ‘અરે, હું રેડિયેટર પાસે છું. અહીં ગરમાહટ છે. હું મારા ઘરમાં છું. આ બધુ કેટલું સુંદર છે!’”
થોડી ક્ષણ માટે થોભો, તમારા જાગૃતતાના વિસ્તારને વધારો અને આ પ્રશ્નોના જવાબ આપો: આ ક્ષણે તમારા માટે કયા સરળ આનંદ અસ્તિત્વ માં છે ? તમે શું જોઈ શકો છો, સાંભળી શકો છો, સૂંઘી શકો છો, ચાખી શકો છો કે અનુભવી શકો છો જે તમને આનંદ આપે છે ? કયા રંગો, પ્રકાશની છાંયાઓ, આકારો, સુગંધો, સ્વાદો કે ત્વચાના સ્પર્શો તમે અનુભવી રહ્યા છો ? તમારા મનને કૃતજ્ઞતાથીસંપૂર્ણ રીતે ભરી જવા દો.અને આ કૃતજ્ઞતાની અનુભૂતિમાં આરામ મેળવો.
*
*મનન માટેના બીજ પ્રશ્નો:**
1. તમે કેવી રીતે એ વિચાર સાથે જોડાઈ શકો છો કે પ્રકૃતિને નિહાળવી અથવા ઘરમાં મળતા આરામને માણવા જેવી સાદી બાબતો આપણને જાગૃતતા અને કૃતજ્ઞતા ના ઊંડા અનુભવ તરફ લઈ જઈ શકે છે?
2. શું તમે એવો કોઈ અનુભવ શેર કરી શકો કે જ્યાં તમારા જીવનના મુશ્કેલ સમય દરમિયાન કોઈ સરળ પ્રવૃત્તિ કે અનુભવમાં તમને આનંદ મળ્યો હોય?
3. જ્યારે રોજિંદા જીવનમાં ચિંતાઓ કે વિઘ્નો હોય ત્યારે નાની -નાની ખુશીઓ શોધવાની અને તેના માટે કૃતજ્ઞ રહેવાની ટેવો વિકસાવવા માટે તમને શેનાથી મદદ મળે છે?