
વર્તુળો અને બિંદુઓ
અમીતા કૌલ દ્વારા,
શિક્ષકે બોર્ડ પર ચોંટાડેલા કાગળ પર એક મોટું વર્તુળ દોર્યું. પછી તેઓ વિદ્યાર્થીઓ તરફ વળ્યા અને બોલ્યા, "આ અસ્તિત્વનું મહાન વર્તુળ છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આની બહાર નથી."
વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે તેમને સાંભળી રહ્યા હતા: કેટલાક ગૂંચવણમાં હતા, કેટલાક સમજ્યા હોઈ તે રીતે માથું હલાવતા હતા, અને કેટલાક ધ્યાનમાં આંખો બંધ કરીને સાંભળતા હતા.
"તમારામાંથી દરેક જણ આ વર્તુળમાં સંપૂર્ણ રીતે સમાયેલ છે. તમે દરેક જણ આ વર્તુળ ને ખૂબ સ્પષ્ટ રીતે જુઓ." આમ કેહતા કેહતા શિક્ષક તેમની સામેના ચહેરાઓને ધ્યાનથી નિહાળી રહ્યા હતા.
એકાએક એક ડગમગતો હાથ ઊઠ્યો. એક નવો યુવાન વિદ્યાર્થી ઊભો થયો અને અચકાતા અચકાતા કહ્યું, "સર, હું જે જોઈ રહ્યો છું તે વર્ણવી શકું? એક પ્રશ્ન પૂછી શકું?" શિક્ષકે સહમતિમાં માથું હલાવિયું, પરંતુ તેમની નજર વિદ્યાર્થીને ભેદી રહી હતી.
વિદ્યાર્થીએ ગળું ખંખેરી ને કહ્યું કે "બે દિવસથી તમે અમને આ 'અસ્તિત્વનું વર્તુળ' બતાવી રહ્યા છો અને કહી રહ્યા છો કે આપણે બધા તેમાં છીએ. પણ મને તેવું લાગતું નથી..." અને પછી વિદ્યાર્થીએ અટકીને શિક્ષકના ચહેરાના હાવભાવ જોયા. કોઈ પ્રતિક્રિયા જોવા ન મળતાં, તેણે હિંમત કરીને વધારે આત્મવિશ્વાસથી આગળ કહ્યું, "હું મને આ વર્તુળની બહાર જોઉં છું."
શિક્ષકનો ચહેરો નરમ પડ્યો. તેઓ બોર્ડ પાસે ગયા અને પેન લઈ વર્તુળની બહાર એક નાનું બિંદુ દોર્યું. પછી પેનથી બિંદુને બતાવીને, તેઓ મલકાયા અને કહ્યું: "શું તમે અહીં છો?" વિદ્યાર્થીએ હા પાડી અને બીજા વિદ્યાર્થીઓ તરફ જોયું. મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનથી સાંભળતા હતા. શિક્ષકે પછી એક નવું, મોટું વર્તુળ દોર્યું જેથી બિંદુ તેમાં સમાઈ ગયું અને વિદ્યાર્થી તરફ જોતા કહ્યું "હવે બરાબરને. તમે અસ્તિત્વના વર્તુળમાં છો."
કેટલાક વિદ્યાર્થીઓ હસ્યા અને કેટલાકે સ્વીકારમાં માથું ધુણાવ્યું.
યુવાન વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાઈ ગયો અને આટલું જ જાણવા મળશે તે વિચારી બેસવા જ જતો હતો અને શિક્ષકે પેન થી ઈશારો કરીને કહ્યું, "ના, મારી વાત આમ જ સ્વીકારી ના લેશો. પોતાની અંદર ઝાંખો અને હમણાં શું અનુભવો છો તે જાણો ?"
પછી બાકીના વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું, "તમે બધા ફરી તમારી અંદર જુઓ. પણ પહેલાં એ જણાવો કે અહીંયા કોઈ એવું છે જેને આ વિદ્યાર્થી જેવો પ્રશ્ન ક્યારેય થયો જ નથી? કદાચ તમારામાંથી કોઈ એવું વિચારતું હશે કે તેઓને થોડા સમય પહેલા આનો જવાબ મળી ગયો હતો. અને કદાચ કોઈક ને આનો જવાબ થોડા સમય પહેલા ખરેખર મળી ગયો હતો. પરંતુ આ ક્ષણના જવાબ ને રજુ થવા દો. ભૂતકાળના જવાબો પર ન ચાલો. હમણાં નું જ સત્ય શું છે તે જુઓ."
સૌ થોડા સમય માટે શાંત થઈ ગયા. થોડી વારે શિક્ષકે તે યુવાન વિદ્યાર્થી ને પૂછ્યું, “મને લાગે છે કે તારે કઈ કહેવું છે. તને શું સમજાયું ?" વિદ્યાર્થી ઊભો થયો અને ચિંતા થી હોઠ દબાવતા બોલ્યો : "સર, હું હજુ પણ મને નવા વર્તુળની બહાર જોઉ છું." શિક્ષકે હસીને બીજું નવું બિંદુ બીજા વર્તુળ ની બહાર દોર્યું અને પૂછ્યું “આ નવા બિંદુ ની જેમ ?” વિદ્યાર્થી એ હાકારો આપ્યો અને શિક્ષકે પણ સ્વીકાર માં માથું હલાવીને ખૂબ ઉત્સાહ સાથે ફરીથી બોર્ડ પર ત્રીજું વર્તુળ એવી રીતે દોર્યું કે નવું બિંદુ તેમાં સમાઈ જાય. પછી એક પણ શબ્દ બોલ્યા વિના તેમણે વિદ્યાર્થી તરફ જોયું અને આંખના ઈશારાથી તેને પૂછ્યું. વિદ્યાર્થીએ માથું ધીરેથી હલાવ્યું અને આંખો બંધ કરીને બેસી ગયો.
આ જ દૃશ્ય, પછીના થોડા દિવસો સુધી ઘણી બધી વર પુનરાવર્તિત થયું. આ સમય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓમાં વ્યાકુળતા વધી, કેટલાક શાંત થયા, બીજા કેટલાક વિદ્યાર્થીઓ આ સમય ની બરબાદી થી નારાજ હતા પરંતુ પોતાના કોઈ ના કોઈ કારણ ને લીધે વર્ગમાં બેસેલા હતા. અને કેટલાક અન્ય વિદ્યાર્થીઓ પેલા યુવાન વિદ્યાર્થની જેમ આને પોતાની અંદર જાંખવાની તક તરીકે જોતા હતા. એક વિદ્યાર્થી તો બહુ જ હતાશ થઈ ગયો હતો.
પાંચમે દિવસે બોર્ડ પર સમકેન્દ્રિત વર્તુળો હતાં, દરેક ની અંદર બિંદુ હતા. શિક્ષક બોર્ડ ની બાજુમાં મૌનમાં બેઠા હતા. થોડી વાર આંખ બંધ કરતા હતા અને થોડી વાર આંખ ખોલતા હતા. અંતે યુવાન, હાથ ઊંચો કરીને આત્મવિશ્વાસ સાથે, ફરી ઊભો થયો અને બોલ્યો : "સર, હું સંપૂર્ણ રીતે વર્તુળમાં છું. અને..." તે થોભ્યો અને ચમકતી આંખ સાથે ફરી બોલ્યો, "અને વર્તુળ પણ સંપૂર્ણ રીતે મારામાં છે. હું જ કાગળ છું, હું જ વર્તુળ છું, હું જ બિંદુ છું."
એ ક્ષણે ઘણા વિદ્યાર્થીઓએ તેમના હૃદયમાં તીર ભોંકાયુ હોય તેવું અનુભવ્યું, અને તેમની અંદરથી ગાઢ પ્રેમ લોહી ની જેમ વહેવા લાગ્યો. શિક્ષક બોર્ડ તરફ ફર્યા અને બોર્ડ, પેપર અને પેન ને સમેટવા માંડ્યા અને બોલ્યા, "સરસ,કારણ કે હું આટલા બધા વર્તુળો દોરવાથી ખરેખર થાકી ગયો હતો."
મનન માટેના બીજ પ્રશ્નો :
1. આ વિચાર વિશે તમારું શું માનવું છે કે " આપણે સૌ અસ્તિત્વના વર્તુળમાં સંપૂર્ણ રીતે સમાયેલા છીએ, અને એ વર્તુળ તથા બાકીનું બધું જ આપણામાં સંપૂર્ણ રીતે સમાયેલું છે" ?
2. શું તમારા જીવનની કોઈ એવી ઘટના વર્ણવી શકશો જ્યારે તમેં કોઈ “મેટાફોરિકલ” (જે વાસ્તવીક રીતે અસ્તિત્વમાં ના હોવા છતાં કોઈ પરિસ્થિતિ કે કોઈ વિષયનું સત્ય રૂપાત્મક રીતે વર્ણવતું હોઈ) વર્તુળ ની અંદર અથવા બહાર હોવાનું અનુભવ્યું હોઈ ?
3. અસ્તિત્વના વર્તુળમાં અને તેને પાર તમારા સ્થાન વિષેનું સત્ય શોધવા માટે, તમારી અંદર ઝાંખી કરવામાં તમને શું મદદરૂપ થાય છે?