હું કોણ છું? હું તારો છું!
ડાયટ્રિચ બોનહોફર દ્વારા
હું કોણ છું? તેઓ વારંવાર મને કહે છે
કે હું મારી કોટડીની કેદમાંથી બહાર નીકળતો
શાંતિથી, પ્રસન્નતાથી, દૃઢતાથી,
જાણે કોઈ જાગીરદાર પોતાના નિવાસમાંથી નીકળતો હોય.
હું કોણ છું? તેઓ વારંવાર મને કહે છે
કે હું મારા પહેરેદારો સાથે વાત કરતો
મુક્તપણે, મિત્રતાથી અને સ્પષ્ટપણે,
જાણે કે હુકમ આપવો એ મારો જ અધિકાર હોય.
હું કોણ છું? તેઓ મને એમ પણ કહે છે
કે મેં મુસીબતના દિવસો સહન કર્યા
સમભાવે, હસતાં મુખે, ગર્વથી,
જાણે એવી વ્યક્તિ કે જે જીતવા માટે ટેવાયેલી હોય.
તો શું હું ખરેખર એ જ છું જે બીજાઓ મારા વિશે કહે છે?
કે પછી હું માત્ર એ જ છું જે હું પોતે મારા વિશે જાણું છું?
અશાંત, ઝંખતો અને બીમાર, પિંજરામાં પૂરાયેલા પક્ષી જેવો,
શ્વાસ લેવા માટે ઝઝૂમતો, જાણે કોઈ હાથ મારું ગળું દબાવી રહ્યા હોય,
રંગો માટે, ફૂલો માટે, પક્ષીઓના કલરવ માટે તલસતો,
દયાભર્યા શબ્દો માટે, માનવસહજ હૂંફ માટે તરસતો,
મહાન ઘટનાઓની અપેક્ષામાં ઉથલપાથલ અનુભવતો,
દૂર દૂર રહેલા મિત્રો માટે અસહાયપણે ધ્રૂજતો,
પ્રાર્થના, વિચાર અને કામથી થાકેલો અને ખાલીખમ,
નિર્બળ, અને આ બધું જ છોડી દેવા માટે તૈયાર.
હું કોણ છું? આ કે પેલો?
શું હું આજે એક વ્યક્તિ છું અને કાલે બીજો?
શું હું એક જ સમયે બંને છું? બીજાઓની સામે ઢોંગી,
અને મારી પોતાની નજરમાં એક તિરસ્કારને પાત્ર, દુઃખી, નબળો માણસ?
અથવા મારી અંદર હજી પણ એવું કંઈક છે જે હારેલી સેના જેવું છે,
જે પહેલેથી જ મેળવેલી જીતથી અસ્તવ્યસ્ત થઈને ભાગી રહી છે?
હું કોણ છું? મારા આ એકલવાયા પ્રશ્નો મારી મજાક ઉડાવે છે.
હું ગમે તે હોઉં, હે ઈશ્વર, તું જાણે છે, હું તારો છું!
મનન માટેના બિજ પ્રશ્નો :
- ‘હું કોણ છું?' – આ પ્રશ્ન સાથે તમે કઈ રીતે સહમત છો? અને જ્યારે તમે આ પ્રશ્ન પર વિચાર કરો છો, ત્યારે તમારા મનમાં શું ભાવો કે વિચારો જાગે છે?
- શું તમે તમારા જીવનનો કોઈ એવો અંગત પ્રસંગ વર્ણવી શકો છો, જ્યારે તમે આ પ્રશ્ન પર ઊંડાણપૂર્વક ચિંતન કર્યું હોય અને તેના પરિણામે તમને કોઈ નવી આંતરસૂઝ પ્રાપ્ત થઈ હોય?
- જ્યારે તમે આ પ્રશ્ન પર ઊંડું મનન કરો છો, ત્યારે કઈ બાબત તમને તમારા 'અહં' (ego) થી પર જવામાં મદદ કરે છે?