તડકામાં શાંત, ધીમા સ્વરે ગણગણાટ કરતી ગંગા
— ઓમ સ્વામી દ્વારા
શું તમે ક્યારેય બે કે ચાર અઠવાડિયાની રજાઓ પછી તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો છે? અંદર પ્રવેશતા જ બંધ ઘરની હળવી સુગંધ, ધૂળની મીઠી મહેક તમારું સ્વાગત કરે છે. તમે સોફા પર ઢળી પડો છો, એક લાંબો શ્વાસ છોડી કહી બેસો છો— “ઘર… પોતાનું ઘર.”
પ્રવાસ કેટલો જ સુંદર કેમ ન હોય, થોડા સમય પછી મનને ઘર યાદ આવવા લાગે છે. આપણે આપણા ઓળખાયેલા વાતાવરણમાં પાછા ફરવા ઇચ્છીએ છીએ. ઘર ભલે સાદું હોય— ન ત્યાં કોઈ રૂમ સર્વિસ, ન કોઈ ચમકધમક— છતાંયે તે સૌથી આરામદાયક લાગે છે. એક સહજતા, પોતાનાપણું અને એક વિશેષ પ્રકારની મુક્તિ અનુભવાય છે. આ બધું ફાઇવ સ્ટાર સુવિધાઓ કરતાં પણ ઉપરનું છે.
આપણી આત્મા સાથે પણ એવું જ બને છે. આ શરીર તેનું સ્થાયી ઘર નથી. આપણી વ્યક્તિગત ચેતના અનાદિ–અનંત ચેતના સાથે લય પામવાની ઇચ્છા ધરાવે છે. તે પોતાના ઘેર પરત ફરવા માગે છે. કદાચ તે શબ્દોમાં સ્પષ્ટ ન કહી શકે, પરંતુ તેનો સ્વભાવ એવો જ છે. આપણે અપાર સંભાવનાઓ અને મુક્ત અસ્તિત્વ ધરાવતા જીવ છીએ પરંતુ અહીં આપણે મન અને શરીરની નાની–નાની ઇચ્છાઓમાં બંધાયેલા રહી જઇએ છીએ.
આત્મા તેના સ્ત્રોત તરફ પરત જવા ઇચ્છે છે. આ જ સૃષ્ટિ, જન્મ–મરણ અને પ્રકૃતિનો મૂળ નિયમ છે: દરેક વસ્તુ પોતાના મૂળ તરફ પરત ફરે છે. શરીર અસ્થાયી છે, મન સંસ્કારોથી બંધાયેલું, અને ચેતના માર્ગ શોધતો મુસાફર છે. પરંતુ આત્મા જાણે છે કે તેને કઈ દિશામાં જવું છે.
આથી જ દરેક મનુષ્ય જીવનમાં ક્યારેક તો પોતાના અસ્તિત્વના અર્થ પર વિચારવા માટે થંભે છે. જેણે તૃપ્તિનો એક ક્ષણ પણ અનુભવ્યો છે, તે પોતાના વ્યક્તિગત જીવનથી મોટી યાત્રા પર નીકળી પડે છે. આ યાત્રા આઇન્સ્ટાઇનની શોધોથી શરૂ થઈ શકે છે અથવા ખ્રિસ્તની કરુણાથી; બુદ્ધના શાંતિમાર્ગથી અથવા વેદોના મોક્ષથી.
આપણે ભલે આપણી સાચી પ્રકૃતિને ભૂલી ગયા હોઈએ, છતાં આત્મા— જે શાશ્વત, નિર્મળ અને અનંત છે— ઘેર પરત જવા આતુર રહે છે. જ્યાં સુધી આપણે તેને માર્ગ બતાવતા નથી, અંતરની બેચેની શાંત થતી નથી. કોઈ સુખ, કોઈ સંબંધ શાશ્વત તૃપ્તિ આપી શકતા નથી— કારણ કે આપણે બધા આ જીવનમાં જાણે રજાએ આવેલા મુસાફરો છીએ… અને આપણું ઘર યાદ આવતું રહે છે.
ધ્યાન એટલે ઘરે પરત ફરવું.
ધ્યાન એટલે પોતાના તે મૂળ સ્ત્રોત તરફ પાછા ફરવું— જ્યાં આપણે ખરેખર છીએ. જ્યાં આપણે તે નથી જેવા લોકો આપણને માને છે, ન તો તે જે દુનિયાએ આપણને માનવા મજબૂર કર્યા, અને ન તો તેવા જ જેવા આપણે પોતે માનીએ છીએ. ધ્યાન એટલે પોતાને જોવું, પોતાના તે મૂળ સ્ત્રોત સુધી પહોંચવું— જ્યાંથી આનંદ, ખુશી અને શાંતિ સતત વહે છે.
આ છે પોતાના સાચા ઘરની શોધ— જ્યાં ઇર્ષ્યા નથી, લાલચ નથી, તુલના નથી, દ્વેષ નથી. જ્યાં અહંકારની દિવાલો નથી અને ક્રોધના દરવાજા પણ નથી.
એક એવું સ્થાન, જ્યાં આત્મા શાંતિમાં વિશ્રામ કરે છે… જ્યાં ચેતના કોઈપણ અવરોધ વિના વહે છે— જેમ તડકામાં શાંત, ધીમા સ્વરે ગણગણાટ કરતી ગંગા.
મનન માટેના પ્રશ્નો
1. તમે આ વિચારને કેવી રીતે અનુભવો છો કે આત્મા એક થાકેલો મુસાફર છે, જે પોતાના સાચા ઘર તરફ પાછો જવા ઈચ્છે છે?
2. શું તમે કોઈ એવો અનુભવ શેર કરશો જ્યારે તમને કોઈ સ્થાન, કોઈ સ્થિતિ અથવા કોઈ મૌન ક્ષણની તીવ્ર યાદ આવી હોય— જ્યાં તમને સાચે જ્ “ઘર” જેવો અનુભવ થયો હોય?
3. ધ્યાન, મૌન અથવા આત્મચિંતનની કઈ સાધનાઓ તમને તમારા અંતરની સાથે ફરીથી જોડે છે?
Om Swami is a Himalayan mystic. Excerpt above from his book,
A Million Thoughts.
Seed Questions for Reflection
What do you make of the notion that our soul is akin to a weary traveler longing to return to its true home? Can you share a personal story that reflects a moment in your life when you felt an intense longing to return to a place or state that felt authentically 'home' to you? What helps you cultivate a practice of meditation or mindful reflection that allows you to connect with your inner self and rediscover the sense of 'home' within your soul?