હિંસા નો અંત
જે. ક્રિષ્ણામૂર્તિ દ્વારા
હિંસા એ ફક્ત બીજાને મારી નાખવું એ જ નથી. જ્યારે આપણે તીખા શબ્દ વાપરીએ છીએ, જ્યારે કોઈ વ્યક્તિને દૂર કરવા માટેની ચેષ્ટા કરીએ છીએ, જ્યારે ડરને કારણે આજ્ઞા પાળીએ છીએ, ત્યારે પણ હિંસા હોય છે. આમ, હિંસા એ ફક્ત ભગવાન ના નામે , સમાજ ના નામે અથવા દેશના નામે થતી સામુહિક હત્યાઓ જ નથી. હિંસા એ ઘણી વધુ સૂક્ષ્મ અને ગહન છે, અને આપણે હિંસાની ઊંડાણમાં તપાસ કરી રહ્યા છીએ
જ્યારે તમે તમને ભારતીય, મુસ્લિમ, ખ્રિસ્તી, યુરોપિયન કે અન્ય કંઈ પણ રીતે ઓળખાવો છો, ત્યારે તમે હિંસક બની જાવ છો. તમે જોઈ શકો છો કે આ હિંસા કેમ છે? કારણ કે તમે તમારી જાતને અન્ય માનવજાતથી અલગ કરો છો. જ્યારે તમે માન્યતા, રાષ્ટ્રીયતા કે પરંપરા દ્વારા તમારી જાતને અલગ કરો છો, ત્યારે તે હિંસાને જન્મ આપે છે. આમ, હિંસાને સમજવા માટે ઝંખતો માણસ કોઈ દેશ, ધર્મ, રાજકીય પક્ષ કે પક્ષપાતી વ્યવસ્થા સાથે જોડાયેલો નથી; તે માનવજાતની સમગ્ર સમજૂતીમાં રસ ધરાવે છે.
હવે, હિંસા સંબધે બે મુખ્ય વિચારધારાઓ છે - એક કહે છે, "હિંસા મનુષ્યમાં જન્મજાત છે," અને બીજી કહે છે, "હિંસા એ સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું પરિણામ છે જેમાં મનુષ્ય રહે છે." આપણે કઈ વિચારધારા સાથે જોડાયેલા છીએ એ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે આપણે હિંસક છીએ — તેના કારણો મહત્વ ના નથી.
હિંસાની સૌથી સામાન્ય અભિવ્યક્તિઓમાંની એક છે ગુસ્સો. જ્યારે મારી પત્ની કે બહેન પર હુમલો થાય, ત્યારે હું કહું છું કે મારો ગુસ્સો યોગ્ય છે; જ્યારે મારા દેશ, મારા વિચારો, મારા સિદ્ધાંતો, મારી જીવનશૈલી પર હુમલો થાય, ત્યારે હું માનું છું કે મારો ગુસ્સો યોગ્ય છે. જ્યારે મારી આદતો કે મારી નજીવી માન્યતાઓ પર હુમલો થાય, ત્યારે પણ હું ગુસ્સે થાઉં છું. જો તમે મારી સાથે ઉગ્ર વર્તો અથવા અપમાન કરો તો હું ગુસ્સે થાઉં છું; અથવા જો તમે મારી પત્નીને લઈ ભાગો છો તો હું ઈર્ષ્યા અનુભવું છું , તે ઈર્ષ્યાને યોગ્ય ગણવામાં આવે છે કારણ કે તે મારી મિલકત છે. અને આ બધો ગુસ્સો નૈતિક રીતે યોગ્ય ગણાય છે. પણ મારા દેશ માટે મારી નાખવું એ પણ યોગ્ય ગણાય છે. તો આપણે જ્યારે ગુસ્સા વિશે વાત કરીએ છીએ, કે જે હિંસાનો એક ભાગ છે, ત્યારે શું આપણે આપણા સંસ્કાર અને આપણા પર ના સામાજિક પ્રભાવો અનુસાર ગુસ્સાને યોગ્ય કે અયોગ્ય એવા બે ભાગમાં જોઈએ છીએ? કે પછી માત્ર ગુસ્સો જોઈ શકાય છે? શું 'ન્યાયસંગત ગુસ્સો' હોય છે? કે માત્ર 'ગુસ્સો' જ હોય છે? સારા અથવા ખરાબ પ્રભાવ જેવું કંઈ નથી — ફક્ત પ્રભાવ છે. પરંતુ જ્યારે તમે કોઈ એવી વસ્તુથી પ્રભાવિત થાઓ છો જે મને ગમતી નથી, તો હું તેને "દુષ્ટ પ્રભાવ" કહું છું.
જે ક્ષણે તમે તમારા પરિવાર, દેશ, ઝંડા તરીકે ઓળખાતું રંગીન કાપડનો ટુકડો, માન્યતા, વિચાર, સિદ્ધાંત કે તમે જે માગો છો અથવા જે ધરાવો છો તેનું રક્ષણ કરો છો, તે રક્ષણ જ ગુસ્સાની નિશાની છે. તો શું તમે ગુસ્સાને કોઈ પણ સ્પષ્ટીકરણ કે યોગ્યતા આપ્યા વિના જોઈ શકો છો? એવું કહીને નહીં કે ‘મારે મારી ચીજ વસ્તુઓનું રક્ષણ કરવું જોઈએ’ અથવા ‘હું ગુસ્સે થયો એ યોગ્ય હતું’ અથવા ‘હું કેટલો મૂર્ખ છું કે ગુસ્સે થયો’. શું તમે ગુસ્સાને માત્ર ગુસ્સા તરીકે જોઈએ શકો છો? શું તમે એને સંપૂર્ણ નિષ્પક્ષ રીતે જોઈ શકો છો, જેના અર્થ થાય છે કે ન તો તમે એને સમર્થન આપો છો કે ન તો તેની નિંદા કરો છો? શું તમે એ કરી શકો છો?
જો હું તમારા પ્રત્યે શત્રુભાવ રાખું અથવા “તમે કેવા અદ્ભુત વ્યક્તિ છો" એમ વિચારું, તો શું હું તમને વાસ્તવિક રીતે જોઈ શકું? હું તો ત્યારે જ તમને વાસ્તવિક રીતે જોઈ શકું છું જ્યારે હું ચોક્કસ તકેદારી સાથે, આ બંને દ્રષ્ટિકોણ વિના જોઈ રહ્યો છું. તો શું હું એ જ રીતે ગુસ્સાને જોઈ શકું? — એટલે કે, હું સમસ્યા પ્રતિ સંવેદનશીલ છું, હું તેનો પ્રતિકાર કરતો નથી, અને હું કોઈ પ્રતિક્રિયા વિના આ અસાધારણ ઘટનાને નિહાળી રહ્યો છું?
તો ચાલો મુખ્ય મુદ્દા પર પાછા આવીએ: શું આપણી અંદરની હિંસાનો નાશ કરવો શક્ય છે? કોઈને કહેવું કે ‘તમે બદલાયા નથી, કેમ નથી બદલાયા?’ એ પણ હિંસાનું સ્વરૂપ છે. હું એ નથી કરતો. તમને કોઈ બાબત માટે મનાવવા મારા માટે મહત્વનું નથી. એ તમારું જીવન છે, મારું નહીં. તમે કેવી રીતે જીવો છો તે તમારો વિષય છે. હું એટલું પૂછું છું કે શું કોઈ માનવમાત્ર માટે, માનસિક રીતે કોઈપણ સમાજમાં જીવીને, પોતાની અંદરથી હિંસાને સંપૂર્ણ રીતે દૂર કરવી શક્ય છે? જો શક્ય હોય, તો એ પ્રક્રિયા દ્વારા દુનિયામાં જીવવાનો એક નવો માર્ગ ઊભો થશે.
મનન માટેના બીજ પ્રશ્નો:
૧. વિશ્વાસ, રાષ્ટ્રીયતા અથવા પરંપરા દ્વારા આપણી જાતને અલગ કરવી, એ હિંસાને જન્મ આપે છે — આ વિચાર સાથે તમે કેવી રીતે સંબંધ ધરાવો છો?
૨. તમારા જીવનમાં ગુસ્સાને અભિવ્યક્તિ તરીકે અનુભવ્યો કે જોયો હોય તેવો કોઈ પ્રસંગ વર્ણવી શકો છો?
૩. ગુસ્સાને નિરપેક્ષ રીતે જોવામાં, ન તો તેનો બચાવ કરતા, ન તેની નિંદા કરતા, અને તેને ઊંડાણથી સમજવા માટે સંવેદનશીલ રહેવામાં તમને શું મદદ કરે છે?
Seed Questions for Reflection
How do you relate to the notion that separating ourselves by belief, nationality, or tradition breeds violence? Can you share a personal story that illustrates a moment when you experienced or observed anger as an expression of violence in your own life or environment? What helps you look at anger completely objectively, neither defending it nor condemning it, and remain vulnerable to understanding it deeply?